28 November, 2026 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિહારિકા રાયઝાદા
બૉલીવુડના જાણીતા સંગીતકાર ઓ.પી. નય્યરની દોહિત્રી નિહારિકા રાયઝાદા હવે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એક મોટું પગલું ભરવા જઈ રહી છે. નિહારિકા સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરવાની છે. તે ‘ભાગમભાગ 2’નો હિસ્સો બનશે. નિહારિકા લાંબા સમયથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. જોકે અત્યાર સુધી તે મુખ્યત્વે વિદેશી ભાષાની ફિલ્મો અને સાઉથની ફિલ્મોમાં જોવા મળી છે. હિન્દી ફિલ્મોમાં પણ તેણે કેટલીક સહાયક ભૂમિકાઓ ભજવી છે. હવે તે અક્ષય કુમાર સાથે ‘ભાગમભાગ’ની સીક્વલમાં મહત્ત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. ‘ભાગમભાગ 2’માં અક્ષય કુમાર સાથે સ્ક્રીન શૅર કરવા વિશે વાત કરતાં નિહારિકાએ કહ્યું કે ‘મને આશા છે કે આ ફિલ્મનું શૂટિંગ જલદી શરૂ થાય. હું ઇચ્છું છું કે અમે આ ફિલ્મ જલદી દર્શકો સમક્ષ લાવીએ. આ એક કૉમેડી ફિલ્મ છે અને મને કૉમેડી ફિલ્મોમાં કામ કરવું ગમે છે. શરૂઆતમાં કામની તકો શોધવી પડતી હતી અને જે પણ તક મળતી એમાં કામ કરી લેતા હતા. એક તબક્કે મેં ડુપ્લિકેટની ભૂમિકાઓ પણ ભજવી છે અને હવે અક્ષય કુમારની હિરોઇન બનવાની તક મળવાથી હું બહુ ખુશ છું.’