03 June, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ, મિસ થાઇલૅન્ડ ઓપલ સુચાતા ચુઆંગ્સરી
નવી મિસ વર્લ્ડ ઓપલ સુચાતા ચુઆંગ્સરીએ બૉલીવુડની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જોઈ છે અને એમાં તેને આલિયા ભટ્ટ ખૂબ ગમી હતી.
ઓપલ સુચાતા ચુઆંગ્સરીને એક ન્યુઝ-એજન્સી સાથેની વાતચીત દરમ્યાન તેની પસંદગીની ભારતીય મિસ વર્લ્ડ વિશે સવાલ કરવામાં આવતાં તેણે જવાબ આપ્યો હતો કે ‘આ એક મુશ્કેલ સવાલ છે. હું આજે મારી એક પ્રિય મિસ વર્લ્ડ માનુષી છિલ્લરને મળી. હું પ્રિયંકા ચોપડાની પણ ચાહક છું. મને બન્ને ખૂબ ગમે છે.’
ઓપલ સુચાતા ચુઆંગ્સરીએ આ પછી તેની પસંદગીની બૉલીવુડ અભિનેત્રીઓ અને ભારતીય ફિલ્મો વિશે વાત કરી. તેણે કહ્યું હતું કે ‘હું આલિયા ભટ્ટને જાણું છું. મેં તેને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં જોઈ. ઓહ માય ગૉડ, મને ફિલ્મ ખૂબ ગમી. હું ‘બાહુબલી’ વિશે પણ જાણું છું. મેં હજી એ જોઈ નથી, પરંતુ હું રામોજી ફિલ્મસિટી ગઈ હતી અને મેં મારી જાતને પ્રૉમિસ આપ્યું હતું કે સ્પર્ધા પછી હું એ જોઈશ. તો હવે જ્યારે આપણે નેક્સ્ટ ટાઇમ મળીશું તો હું ચોક્કસ આ ફિલ્મ વિશે મારો રિવ્યુ આપીશ.’
મિસ વર્લ્ડને અયોધ્યાના રામમંદિરનાં દર્શન કરવાની ઇચ્છા
મિસ વર્લ્ડ બનેલી મિસ થાઇલૅન્ડ ઓપલ સુચાતા ચુઆંગ્સરીએ વિજેતા બન્યા પછી જણાવ્યું છે કે તે ભારતમાં ઘણાં મંદિરોની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી રહી છે અને અયોધ્યાનું રામમંદિર પણ તેની યાદીમાં છે. મિસ વર્લ્ડે કહ્યું હતું કે ભારત અને થાઇલૅન્ડ વચ્ચે ઘણી સંસ્કૃતિઓ અને પરંપરાઓ સમાન છે એટલે આ સ્થળોની મુલાકાત લેવાનું અને એના વિશે જાણવાનું રસપ્રદ રહેશે.
ભારત અને થાઇલૅન્ડ લાંબા સમયથી સાંસ્કૃતિક અને વેપારી સંબંધો ધરાવે છે. થાઇલૅન્ડમાં ‘રામાયણ’ને ‘રામાકિયેન’ તરીકે ઓળખવામાં આવે છે અને આ ભારતીય મહાકાવ્યની થાઇ સાહિત્ય, કલા અને શાહી પરંપરાઓ પર ઊંડી અસર છે. આ વાર્તાનાં મૂળ ભારતીય રામાયણ સાથે સામ્ય ધરાવે છે, પણ એના થાઇ વર્ઝનમાં ઘટનાના અર્થઘટન અને રજૂઆત પર થાઇ સંસ્કૃતિની નાની-નાની વાતોની અસર જોવા મળે છે. ‘રામાયણ’ના થાઇ વર્ઝનમાં ભગવાન હનુમાન મહત્ત્વપૂર્ણ છે અને તેમના પાત્રને ક્યારેક વધારે હળવાશથી રજૂ કરવામાં આવ્યું છે.