20 June, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`દેવદાસ`ના ક્લાઇમૅક્સનો સીન
શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાયની ‘દેવદાસ’નાં સૌથી યાદગાર દૃશ્યોમાં ફિલ્મના ક્લાઇમૅક્સનો સમાવેશ થાય છે. આ સીનમાં ઐશ્વર્યાનો લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે આ લુક રાતોરાત તૈયાર કરવામાં આવ્યો હતો, કારણ કે ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ એમાં છેલ્લી ઘડીએ અચાનક ફેરફાર કર્યો હતો.
આ ફિલ્મની ડિઝાઇનર નીતા લુલ્લાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મને ક્લાઇમૅક્સનો લુક બનાવવા માટે માત્ર એક રાતનો સમય મળ્યો હતો. આ ફિલ્મમાં ૧૨-૧૪ મીટર લાંબી સાડીઓ હતી. મેં એ માટે બે કે ત્રણ સાડીઓ કાપી હતી. ક્લાઇમૅક્સ માટે સંજયને લાગ્યું કે તેને કૉટનની દુર્ગા પૂજા સાડીની જરૂર છે. અમારી પાસે સાડી હતી, અને બધું તૈયાર હતું. ફિલ્મિસ્તાનમાં શૂટિંગની એક રાત પહેલાં અમે ઐશ્વર્યાની વૅનમાં હતાં. પૅક-અપ બાદ સાંજે ૭ વાગ્યાની આસપાસ આઉટફિટ જોઈ રહ્યાં હતાં. એ સમયે સંજયે કહ્યું કે તેમનો વિચાર હતો કે સાડીનો પલ્લુ આગ પકડે અને તેમને લાગ્યું કે આ લાંબો સમય ટકશે નહીં. હું તરત સેટ પરથી નીકળી ગઈ અને ત્યાર બાદ ફોન કરવાનું શરૂ કર્યું. મેં મારા એક કાપડના વેપારીને ફોન કર્યો અને તેને રાતે ૧૧ વાગ્યે તેની દુકાન ખોલવા કહ્યું. આ દરમ્યાન મેં મારી ભરતકામની ટીમને બૉર્ડર અને બાકીના કામ પર શરૂઆત કરવા કહ્યું. બીજા દિવસે સવારે ૮.૩૦ વાગ્યા સુધી અમારી પાસે સેટ પર ૧૩ મીટરની બે સાડીઓ તૈયાર હતી.’