09 September, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિટ ફિલ્મ ‘નાયક : ધ રિયલ હીરો’ને ૨૪ વર્ષ પૂરાં થઈ ગયાં
૨૦૦૧ની ૭ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી અનિલ કપૂરને લીડ રોલમાં ચમકાવતી હિટ ફિલ્મ ‘નાયક : ધ રિયલ હીરો’ને ૨૪ વર્ષ પૂરાં થઈ ગયાં છે. આ વિશેષ અવસરે અનિલ કપૂરે સોશ્યલ મીડિયા પર ફિલ્મ સાથે જોડાયેલી તસવીરો અને યાદો શૅર કરીને જણાવ્યું કે આ ફિલ્મ મારા પહેલાં શાહરુખ ખાન અને આમિર ખાનને ઑફર થઈ હતી, પણ કોઈક કારણસર તેમણે કામ કરવાની ના પાડી હતી.
અનિલે તેની પોસ્ટમાં ફિલ્મની તસવીરો અને ૨૦૦૧ની ઑડિયો રિલીઝ ઇવેન્ટની યાદગીરી શૅર કરી હતી જેમાં શાહરુખ ખાન અને સંગીતકાર એ. આર. રહમાને પણ હાજરી આપી હતી. આ પોસ્ટની કૅપ્શનમાં અનિલ કપૂરે લખ્યું છે, ‘કેટલાંક પાત્રો તમને વ્યાખ્યાયિત કરે છે અને ‘નાયક’ એમાંની એક છે. આ ફિલ્મ પહેલાં આમિર અને શાહરુખને ઑફર થઈ હતી, પણ મને ખબર હતી કે મારે આ પાત્ર જીવવું છે. હું ડિરેક્ટર શંકરનો આભારી છું કે તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો. શાહરુખે કહ્યું હતું કે આ પાત્ર અનિલ માટે જ હતું. આ પળો હંમેશાં યાદ રહેશે.’