નસીરુદ્દીન શાહ પર હુમલો થતાં ઓમ પુરીએ બચાવ્યો હતો જીવ

02 August, 2021 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેં પાછળ ફરીને જોયું તો જસપાલના હાથમાં નાનું ચાકુ હતું. એની અણીમાંથી લોહી ટપકી રહ્યું હતું.

નસીરુદ્દીન શાહ પર હુમલો થતાં ઓમ પુરીએ બચાવ્યો હતો જીવ

નસીરુદ્દીન શાહે તેમની બુક ‘ઍન્ડ ધેન વન ડે : અ મેમ્વાર’માં ઉલ્લેખ કર્યો છે કે કઈ રીતે તેમના પર હુમલો થયા બાદ ઓમ પુરીએ તેમનો જીવ બચાવ્યો હતો. જણાવી દઈએ કે આ હુમલો નસીરુદ્દીન શાહના ફ્રેન્ડે જ કર્યો હતો. આ ઘટના ૧૯૭૭ની છે. આ આખા ઘટનાક્રમનું વર્ણન કરતાં બુકમાં નસીરુદ્દીન શાહે લખ્યું હતું કે ‘ફિલ્મ ‘ભૂમિકા’ના શૂટિંગ દરમ્યાન હું અને ઓમ ડિનર કરી રહ્યા હતા. એ જ વખતે જસપાલ નજીક આવ્યો. હું અમુક કારણોસર તેની સાથે ઘણા દિવસોથી વાત નહોતો કરતો. મેં તેની તરફ ધ્યાન ન આપ્યું. તે અમારી પાછળ રાખેલા ટેબલ પર જઈને બેસી ગયો. થોડા સમય બાદ મને અહેસાસ થયો કે કોઈએ મારી પીઠમાં ધારદાર વસ્તુથી હુમલો કર્યો છે. હું કંઈ કરી શકું એ પહેલાં જ ઓમ મારી પાછળ દોડીને આવ્યો. મેં પાછળ ફરીને જોયું તો જસપાલના હાથમાં નાનું ચાકુ હતું. એની અણીમાંથી લોહી ટપકી રહ્યું હતું. તેણે ફરીથી મારા પર હુમલો કરવા માટે હાથ ઉઠાવ્યો જ હતો કે ઓમ અને અન્ય બે જણે તેને પકડી રાખવાનો પ્રયાસ કર્યો હતો. રેસ્ટોરાંનો મૅનેજર ઍમ્બ્યુલન્સ આવે એ પહેલાં પોલીસના આવવાની રાહ જોતો હતો. એને લઈને ઓમ પુરીનો તેમની સાથે વિવાદ પણ થયો હતો. ઓમ કોઈની પણ મંજૂરી લીધા વગર પોલીસની ગાડીમાં બેસી ગયો અને પોલીસકર્મીઓને મારી સાથે નમ્ર વર્તન કરવાની પણ વાત કહી હતી. અમને જાણ નહોતી કે અમને ક્યાં લઈ જવામાં આવે છે, પરંતુ એ વાત તો નક્કી હતી કે અમને પોલીસ-સ્ટેશન નહોતા લઈ જઈ રહ્યા. લોહી સતત નીકળી રહ્યું હતું. મને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી.’

bollywood bollywood news bollywood gossips naseeruddin shah