18 August, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રજનીકાન્ત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી
ભારતીય સિનેમાના મહાનાયક રજનીકાન્તે ફિલ્મઉદ્યોગમાં ૫૦ વર્ષ પૂરાં કર્યાં છે. આ ખાસ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા આપી છે અને તેમના યોગદાનને ‘ગૌરવપૂર્ણ’ ગણાવ્યું છે. સાઉથના દિગ્ગજ સ્ટારની નોંધપાત્ર યાત્રા અને વિવિધ પેઢીઓના દર્શકો પર તેમના કામની જે અસર પડી છે એની નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે. નરેન્દ્ર મોદી તરફથી શુભેચ્છા મળતાં રજનીકાન્તે પણ આભાર વ્યક્ત કર્યો છે.
નરેન્દ્ર મોદીએ રજનીકાન્ત સાથેનો એક ફોટો શૅર કરીને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું, ‘સિનેમાજગતમાં શાનદાર ૫૦ વર્ષ પૂર્ણ કરવા બદલ થિરુ રજનીકાન્તને અભિનંદન. તેમની યાત્રા પ્રતિષ્ઠિત રહી છે. તેમની વૈવિધ્યસભર ભૂમિકાઓએ વિવિધ પેઢીઓના લોકોના મન પર અમિટ છાપ છોડી છે. હું આગામી સમયમાં તેમની સતત સફળતા અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું.’
વડા પ્રધાનની શુભેચ્છાઓ પર રજનીકાન્તે આભાર વ્યક્ત કરતાં લખ્યું, ‘આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, તમારા સ્નેહ અને શુભેચ્છાઓ બદલ હૃદયપૂર્વક આભાર. આ સફર મારા પ્રશંસકો અને સિનેપ્રેમીઓ વિના અધૂરી છે. તમારા શબ્દો મારા માટે મોટી પ્રેરણા છે.’
બસ-કન્ડક્ટર બન ગયા ઍક્ટર
બસ-કન્ડક્ટરમાંથી ઍક્ટર બનેલા રજનીકાન્તે ૧૯૭૫માં કે. બાલચંદર દ્વારા નિર્દેશિત તામિલ ફિલ્મ ‘અપૂર્વ રાગંગલ’થી ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. તેમણે તામિલ, હિન્દી, તેલુગુ, કન્નડા અને મલયાલમમાં ૧૬૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. રજનીકાન્તનું સાચું નામ શિવાજીરાવ ગાયકવાડ છે અને તેઓ મૂળ મરાઠી છે.