મુંબઈ અને મુરાદ સાથેનું મારું ક્નેક્શન ખૂબ જ ગાઢ છે: રણવીર સિંહ

03 June, 2020 06:52 PM IST  |  Mumbai | Harsh Desai

મુંબઈ અને મુરાદ સાથેનું મારું ક્નેક્શન ખૂબ જ ગાઢ છે: રણવીર સિંહ

રણવીર સિંહનું કહેવું છે કે તેની અને ‘ગલી બૉય’ના પાત્ર મુરાદ વચ્ચે ઘણી સમાનતા છે અને તેમની વચ્ચેનું કનેક્શન ખૂબ જ ગાઢ છે. ઝોયા અખ્તરે આ ફિલ્મ રૅપર ડિવાઇન અને નેઝીની લાઇફ પરથી પ્રેરિત થઈને બનાવી હતી. આ ફિલ્મમાં રણવીરે મુરાદ નામના કવિ અને રૅપરનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર માટે રણવીરને ઘણી વાહવાહી પણ મળી હતી. આ વિશે વાત કરતાં રણવીર સિંહે કહ્યું હતું કે ‘ઘણા લોકો મને કહેતા આવ્યા છે કે આ રોલ ફક્ત મારા માટે જ લખાયો હતો. લોકોને આવું લાગે છે એનું કારણ એ છે કે અમારી વચ્ચે કૉમ્બિનેશન છે. એવી ઘણી વાતો છે જે અમારી વચ્ચે ખૂબ જ ગાઢ છે. સૌથી પહેલું તો મુંબઈ માટેનો પ્રેમ. હું અહીં જ મોટો થયો છું. આ મારી કર્મભૂમિ અને જન્મભૂમિ છે એથી આ શહેર માટેનો મારો પ્રેમ તમે સમજી શકો છો. આથી મારા માટે આ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને મને મારા શહેર પર ગર્વ છે. મહાનગરી આને કહેવાય છે અને હું ઇચ્છતો હતો કે કેવી રીતે હું મારા શહેરને ટ્રિબ્યુટ આપું અને ‘ગલી બૉય’ મારા માટે ઉત્તમ તક હતી. ઝોયાએ જે બનાવ્યું છે એ મુંબઈ માટેનો લવ લેટર છે. આ સાથે જ હિપહૉપ અને રૅપિંગ સાથે પણ મારું કનેક્શન જોરદાર છે. મેં ખૂબ જ નાની ઉંમરમાં રૅપ-સૉન્ગ અને હિપ હૉપ સાંભળવાનું શરૂ કરી દીધું હતું. મારો કઝિન અમેરિકાથી આવતો ત્યારે ટુપેક શાકુરની કૅસેટ લઈને આવતો અને હું એને સાંભળતો. મને તેમની ભાષા અથવા તો થીમ સમજમાં આવતી એવું નથી, પરંતુ એ સિંગરના ગીત દ્વારા કહેવામાં આવતાં એક્સપ્રેશન મને ખૂબ જ ગમ્યાં હતાં અને એથી જ મને આવાં ગીત વધુ પસંદ છે. હું ઇન્ટરનેટ પર લિરિક્સ સર્ચ કરતો અને પછી એને યાદ રાખતો.’

ફિલ્મને સાઇન કરવા વિશે રણવીરે કહ્યું હતું કે ‘હિપ હૉપ મને ખૂબ જ પસંદ હતું. તેમ જ એની સાથે મુંબઈ પણ હતું. આથી મારા માટે આ એક ડ્રીમ રોલ હતો. આ શહેર અને હિપ હૉપની સાથે ત્રીજી એક વસ્તુ એ છે કે તે એક એવો માણસ હતી જે તેના સપના સામે હાર નહોતો માનતો અને હું પણ એવો જ છું. તેની સાથે હું ખૂબ જ કનેક્ટ થઈ ગયો હતો. તે જે રીતે રૅપ-સિંગર બનવા માગતો હતો એ જ રીતે હું પણ હંમેશાંથી ઍક્ટર બનવા માગતો હતો. મુરાદ સાથેનું મારું કનેક્શન ખૂબ જ ગાઢ છે અને આ પાત્ર માટે મારી વાહવાહી પણ થઈ છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips ranveer singh harsh desai