ધ બિગ બેઅર

10 April, 2021 09:54 AM IST  |  Mumbai | Harsh Desai

ડિરેક્શન અને સ્ટોરીને ઉપરછલ્લાં દેખાડવામાં આવ્યાં હોવાથી વિઝન ભટકી ગયું હોય એવું લાગે છે : અભિષેક સિવાય એક પણ પાત્રને ડેવલપ થવા માટે સમય આપવામાં ન આવ્યો હોવાથી એની સાથે કનેક્ટ નથી થઈ શકાતું

અભિષેક બચ્ચન

ધ બિગ બુલ 

ડિરેક્ટર : કુકી ગુલાટી
લીડ ઍક્ટર્સ : અભિષેક બચ્ચન, સોહમ શાહ, ઇલિઆના ડિક્રુઝ, સૌરભ શુક્લા, નિકિતા દત્તા

અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’ હાલમાં જ ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે. આ ફિલ્મની સ્ટોરી ૧૯૯૦ના દાયકામાં હર્ષદ મહેતાએ કરેલા સ્કૅમ પર આધારિત છે. આ વિષય પર અગાઉ હંસલ મહેતાએ ‘સ્કૅમ 1992’ બનાવી છે આથી એની સરખામણી થાય એ સ્વાભાવિક છે. જોકે એક ફિલ્મ અને વેબ-સિરીઝની સરખામણી યોગ્ય નથી અને ફિલ્મનાં કેટલાંક લિમિટેશન હોય છે. જોકે આ લિમિટેશનને કારણે ‘ધ બિગ બુલ’ થોડો જોખમી વિષય હતો, કારણ કે સ્ટોરીને લઈને ચોક્કસ વિઝન રાખવું જરૂરી હતું અને એ આ ફિલ્મમાં જોવા નથી મળ્યું. સ્ટૉક માર્કેટમાં બુલ એટલે કે સ્ટૉકને હંમેશાં ઉપર લઈ જનાર અને બેઅર એટલે કે સ્ટૉકની કિંમતને અથવા તો માર્કેટને નીચે લાવનાર. આ સ્ટોરીને જે રીતે રજૂ કરવામાં આવી છે એને કારણે ફિલ્મ પણ બેઅર જેવી લાગે છે.
સ્ટોરી-ટાઇમ
હર્ષદ મહેતાની જગ્યાએ આ ફિલ્મમાં અભિષેક બચ્ચનનું નામ હેમંત શાહ આપવામાં આવ્યું છે. એક દિવસ તેને એક ટિપ મળે છે અને એનાથી કેવી રીતે નફો થાય છે એ તે જુએ છે. ત્યાર બાદ તે એ ટિપ વિશે રિસર્ચ કરે છે અને ત્યાર બાદ એમાંથી પૈસા બનાવે છે. આ પૈસાથી તેની લાલચ વધે છે અને તે વધુને વધુ પૈસા કમાવવા તરફ આગળ વધવા માંડે છે. તે જેટલો ઉપર જાય છે એટલો જ એક દિવસ નીચે આવે છે. તેના પાપનો ઘડો ભરાતાં તેના પર ઘણા કેસ થાય છે અને આખરે તે મૃત્યુ પામે છે. જોકે હર્ષદ મહેતાએ જે કર્યું એ સાચું હતું કે ખોટું અથવા તો જરૂરી હતું કે નહીં એ જે-તે દર્શકો પર નિર્ભર કરે છે. જોકે તેણે જે રસ્તો અપનાવ્યો હતો એ ખોટો હતો એમાં બેમત નથી.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
ડિરેક્ટર કુકી ગુલાટીએ રાઇટર અર્જુન ધવન સાથે મળીને આ ફિલ્મની સ્ટોરી લખી હતી. તેમની પાસે ઘણું મટીરિયલ હતું તેમ જ આ વિષય પર ‘સ્કૅમ 1992’ પણ બની ગઈ હોવા છતાં તેઓ સ્ટોરી સારી રીતે લખી નથી શક્યા. સ્ક્રીનપ્લે ખૂબ જ નબળો છે અને એમાં તેમનું વિઝન પણ ભટકી ગયું હોય એ દેખાઈ શકે છે. ૧૩૦ મિનિટમાં સ્ટોરીને રજૂ કરવી ખૂબ જ ચૅલેન્જિંગ કામ છે અને એ કરવામાં કુકી ગુલાટી નિષ્ફળ રહ્યો છે. ઉપરછલ્લી સ્ટોરીને કારણે એની કોઈ અસર નથી પડતી. તેમ જ તેણે ઓરિજિનલ સ્ટોરીને ડ્રામેટિક બનાવવામાં કોઈ કસર નથી છોડી એમ છતાં એ એટલી જ નબળી રહી છે. સ્ટોરી નબળી હોવાથી એની અસર ડિરેક્શન પર પણ પડે છે. કુકી ગુલાટીએ કેટલાંક દૃશ્યોને ઓવરડ્રામેટિક બનાવ્યાં છે જેમાં એકમાં અભિષેક બચ્ચન જે હસે છે એનો પણ સમાવેશ થાય છે.
પર્ફોર્મન્સ
ફિલ્મની સ્ટોરી અભિષેકની આસપાસ ફરે છે. મોટા ભાગનાં તમામ દૃશ્યમાં અભિષેકનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેણે ઍક્ટિંગ સારી કરે છે એમાં કોઈ શંકા નથી. જોકે આ સ્ટોરીના રાઇટર્સ અને ડિરેક્ટર તેને ખોટા મળ્યા છે. આનંદ પંડિત અને અજય દેવગન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને હંસલ મહેતાએ લખી અને ડિરેક્ટ કરી હોત તો ફિલ્મનો ચાર્મ કંઈક અલગ જ હોત. ઇલિઆના ડિક્રુઝે ફિલ્મમાં જર્નલિસ્ટ મીરાનું પાત્ર ભજવ્યું છે. જોકે તેની પાસે નામ પૂરતું જર્નલિઝમ કરાવ્યું હોય એવું લાગે છે. ફક્ત ચશ્માં પહેરીને આમથી તેમ જતી તેને દેખાડવામાં આવી છે. આ સિવાય તેની પાસે કોઈ કામ નહોતું કરાવવામાં આવ્યું. ઇલિઆના જ નહીં, પરંતુ અભિષેકની પત્નીનું પાત્ર ભજવનાર નિકિતા દત્તાનું પાત્ર પણ નકામું લાગે છે. તેના પાત્રને પણ સારી રીતે લખવામાં નથી આવ્યું. હેમંતના ભાઈ વીરેનનું પાત્ર સોહમ શાહે ભજવ્યું છે. સોહમ શાહ સંપૂર્ણ રીતે સ્ક્રિપ્ટ પર ડિપેન્ડન્ટ દેખાઈ રહ્યો હતો. તે પોતાની ટૅલન્ટનો ઉપયોગ કરીને સ્ક્રીનપ્લેમાં કોઈ નવીનતા દેખાડતો જોવા નહોતો મળ્યો. સુપ્રિયા પાઠક કપૂર, મહેશ માંજરેકર, સૌરભ શુક્લા, સમીર સોની અને રામ કપૂરનાં પાત્રો પણ ટોટલ વેસ્ટ છે. તેમની પાસે એક પણ દૃશ્ય એવું કરાવવામાં નથી આવ્યું જેનાથી સ્ક્રીન પર અથવા તો દર્શકો પર કોઈ છાપ છૂટે.
માઇન્સ પૉઇન્ટ
ફિલ્મની સ્ટોરીનું વિઝન ભટક્યું હોવાથી એની કોઈ અસર નથી જોવા મળતી. દરેક પાત્રને ઉપરછલ્લાં દેખાડવામાં આવ્યાં છે અને કોઈને ડેવલપ થવા માટે સમય આપવામાં નથી આવ્યો. ફિલ્મના એડિટિંગમાં પણ કોઈ ક્રીએટિવિટી નથી અને એથી એ ખૂબ જ લાંબી લાગે છે. નિકિતા દત્તાના લવ ટ્રૅકને સંપૂર્ણપણે કાઢી નાખીને એના કરતાં ઇલિઆનાના પાત્રને વધુ ટાઇમ આપવાની જરૂર હતી. તેમ જ દૃશ્યને વધુ ડ્રામેટિક કરવા કરતાં એને ઑથેન્ટિક રાખવાની વધુ જરૂર હતી જેથી દર્શક એની સાથે કનેક્ટ થઈ શકે.
મ્યુઝિક
બૉલીવુડમાં એવી ઘણી ફિલ્મો હવે બની ગઈ છે જેમાં ગીત નથી હોતાં. એમ છતાં એ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સફળ રહી છે. આ ફિલ્મમાં પણ અભિષેક અને નિકિતા દત્તા સાથેના રોમૅન્ટિક ગીત ‘ઇશ્ક નમાઝા’ની જરૂર નહોતી. જોકે યુટ્યુબર કૅરી મિનાટીના ગીત ‘યલગાર’નું ફિલ્મી વર્ઝન ‘ધ બિગ બુલ ટાઇટલ ટ્રૅક’ એટલું જ બંધબેસતું લાગે છે. જોકે એમ છતાં ફિલ્મમાં ‘સ્કૅમ 1992’ જેવા બૅકગ્રાઉન્ડ મ્યુઝિકની ઊણપ લાગે છે.
આખરી સલામ
સ્ક્રિપ્ટ અને ડિરેક્શનમાં ખામી હોય તો ‘ગુરુ’ જેવી અદ્ભુત ફિલ્મમાં ગુજરાતી બિઝનેસમૅનનું પાત્ર ભજવનાર અભિષેક બચ્ચન પણ કંઈ કરી શકે એમ નથી.

bollywood news bollywood bollywood gossips movie review abhishek bachchan