'રંગદરિયો' ગીતને પર્ફેક્ટ ટચ આપવા ઐશ્વર્યા મજમુદારે 4 કલાક કરી મહેનત

18 August, 2019 01:19 PM IST  |  મુંબઈ

'રંગદરિયો' ગીતને પર્ફેક્ટ ટચ આપવા ઐશ્વર્યા મજમુદારે 4 કલાક કરી મહેનત

વિજયગિરી બાવાની અપકમિંગ ફિલ્મ મોન્ટુની બિટ્ટુની રિલીઝ આડે હવે પાંચ દિવસ જ બાકી છે. ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે ફિલ્મને લઈ એક વધુ રસપ્રદ માહિતી સામે આવી છે. ફિલ્મના એક ગીતને પરફેક્ટ ટચ આપવા માટે સિંગર ઐશ્વર્યા મજમુદારે ચાર કલાક મહેનત કરી હોવાનો ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનું રોમેન્ટિક ટ્રેક 'રંગદરિયો' લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે. જો કે આ ગીત માટે ઐશ્વર્યા સહિત આખી ટીમે ખૂબ જ મહેનત કરી છે.

ફિલ્મ મોન્ટુની બિટ્ટુમાં સંગીત જાણીતા ગુજરાતી સંગીતકાર મેહુલ સૂરતીએ આપ્યું છે. મેહુલ સુરતીએ 'રંગદરિયો' અંગે વાત કરતા કહ્યું કે,'ઐશ્વર્યા સામાન્ય રીતે 40-50 મિનિટમાં ગીત રેકોર્ડ કરતી હોય છે, પણ રંગદરિયોને પરફેક્ટ બનાવવા માટે તેણે ચાર કલાક આપ્યા હતા. ઐશ્વર્યા અને હું 2009-10થી સાથે કામ કરીએ છીએ. એ દરેક વખતે એટલી તૈયારી કરીને આવે કે એને રેકોર્ડિંગમાં વાર જ ન લાગે. પહેલા લિરિક્સ કે ટ્યુન મોકલ્યા હોય તો ઐશ્વર્યા તૈયારી કરીને જ આવી હોય. એટલે એને ક્યારેય ગીત રેકોર્ડ કરતા વાર નથી લાગતી. પણ રંગ દરિયો રેકોર્ડ કરવા માટે ઐશ્વર્યા સતત 4 કલાક સ્ટુડિયોમાં રહી હતી.'

વધુમાં મેહુલ સુરતી કહે છે કે,'રંગ દરિયો રેકોર્ડ કરતી વખતે અમારે જે જોઈતું હતું એ નહોતું આવતું. એટલે ઐશ્વર્યા સ્ટુડિયોમાં ગઈ પછી, ફાઈનલ ન થયું ત્યાં સુધી બહાર ન આવી. ગીતમાં અમારે ફીલિંગ જોઈતી હતી. પણ નહોતું આવતું. ત્યારે અમારા બધાના સજેશન વચ્ચે એણે ગાયે રાખ્યું. આખરે અમને બધાને સંતોષ થયો, ત્યારે જ એ સ્ટુડિયોમાંથી બહાર આવી.'

આ પણ વાંચોઃ Vyoma Nandi: આ ગુજરાતણની ઢોલીવુડથી લઈ ટોલીવૂડ સુધી છે બોલબાલા

બે દિવસ પહેલા જ ફિલ્મનું વધુ એક ગીત માતા ભદ્રકાળીનો ગરબો રિલીઝ થયો હતો, જે પણ લોકોને ખૂબ ગમી રહ્યો છે. ફિલ્મ મોન્ટુની બિટ્ટુ 23 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. વિજયગિરી બાવાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં આરોહી પટેલ, મૌલિક નાયક અને મેહુલ સોલંકી લીડ રોલમાં છે. આ ફિલ્મમાં અમદાવાદની પોળનું કલ્ચર દર્શાવવામાં આવશે.

Raam Mori aarohi patel gujarati film