પંકજ ત્રિપાઠીએ કહ્યું, 'મારા પિતાએ મારી એકપણ ફિલ્મ નથી જોઈ'

16 October, 2020 05:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પંકજ ત્રિપાઠીએ કહ્યું, 'મારા પિતાએ મારી એકપણ ફિલ્મ નથી જોઈ'

પંકજ ત્રિપાઠી

બહુચર્ચિત અને લોકપ્રિય વૅબ સિરીઝ 'મિર્ઝાપુર'માં કાલીન ભૈયાનું પાત્ર ભજવતા અભિનેતા પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)નો પરિવાર ગામડામાં આજે પણ સામાન્ય જીવન જીવે છે. તેમના ઘરમાં ટીવી પણ નથી અને અભિનેતાના પિતાએ આજ સુધી તેની એકપણ ફિલ્મ જોઈ નથી. તાજેતરમાં અભિનેતાએ એક ઈન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો છે.

સ્પૉટબૉયને આપેલા એક ઈન્ટરવ્યૂમાં 44 વર્ષીય અભિનેતા પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે, 'હું મારા બાબુજી સાથે વધુ વાતો કરતો નથી. મારા જીવનમાં શું ચાલે છે અને કેમ ચાલે છે? તેઓ બેસીને આ અંગે વાત કરતા નથી. તેમણે મને ક્યારેય કંઈ કરતા અટકાવ્યો નથી. નાનપણમાં જ્યારે મેં તેમને કહ્યું હતું કે હું એક ડ્રામામાં કામ કરું છું અને છોકરીનો રોલ કરું છે. તો પણ તેમણે મને કંઈ જ કહ્યું નહોતું. જ્યારે મેં તેમને કહ્યું કે હું ડ્રામા સ્કૂલ માટે દિલ્હી જાઉં છું તો તેમણે એટલું જ પૂછ્યું હતું કે તને નોકરી તો મળી જશે ને? ત્યારે મેં જવાબ આપ્યો હતો કે હા મળી જશે.'

'મિર્ઝાપુર' વિશે વાતચીત કરતા પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે, 'મિર્ઝાપુર' સીરિઝ શું છે? તે બાબુજીને ખબર જ નથી. તેમને એટલી જ ખબર છે કે હું ફિલ્મમાં કામ કરું છું. હું જ્યારે પણ ગામડે જાઉં ત્યારે એટલું જ પૂછે કે તારે બધું ઠીક છે ને? તો હું હા પાડીને કહું છે કે બધું ઠીક છે.'

અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે, 'મારા બાબુજીએ આજ સુધી મારી એક પણ ફિલ્મ થિયેટરમાં જોઈ નથી. ક્યારેક કોઈએ લેપટોપ કે ટેબલેટમાં મારી ફિલ્મના એકાદ સીન બતાવ્યા હશે. તે ટીવી જોતા નથી. તેમને ટીવી બિલકુલ પસંદ નથી. મારા ગામડાના ઘરમાં આજે પણ ટીવી નથી. મેં અનેક વાર કહ્યું કે ટીવી લાવી દઈએ તો તમે મારી ફિલ્મ તો જોઈ શકો. જોકે, તેઓ બસ એક જ વાત કહે છે કે ટીવી નથી જોઈતું.'

તમને જણાવી દઈએ કે, પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજના છે. તેમના પિતાનું નામ પંડિત બનારસ ત્રિપાઠી અને માતાનું નામ હિમવંતી દેવી છે. ચાર ભાઈ-બહેનમાંથી પંકજ સૌથી નાના છે. પંકજે 2004માં ફિલ્મ 'રન'માં નાનકડો રોલ કરીને બૉલિવુડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેમને 2012માં આવેલી ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી લોકપ્રિયતા મળી હતી.

entertainment news bollywood bollywood news bollywood gossips pankaj tripathi