૬૧ વર્ષની મીનાક્ષી શેષાદ્રિને કમબૅક કરવું છે, આઇટમ-સૉન્ગમાં નાચવું છે

11 March, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં તે શ્રીલંકા ફરવા ગઈ છે અને ત્યાંથી સુંદર તસવીરો પોસ્ટ કરી છે

મીનાક્ષી શેષાદ્રિ

એક સમયે મીનાક્ષી શેષાદ્રિ પોતાની સુંદરતા અને ટૅલન્ટને કારણે લોકોનાં દિલ પર રાજ કરતી હતી. હિન્દી અને સાઉથ સિનેમાને અનેક હિટ ફિલ્મો આપ્યા બાદ તે અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી. હવે તે ફરીથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવા માગે છે અને તેણે ‘પુષ્પા 3’માં આઇટમ-સૉન્ગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મીનાક્ષી ભરતનાટ્યમ, કથક અને ઓડિસીમાં ટ્રેઇન્ડ ડાન્સર છે. તે ડાન્સ રિયલિટી શોમાં સ્પેશ્યલ જજ તરીકે ઘણી વાર ટીવી પર દેખાઈ ચૂકી છે. હાલમાં મીનાક્ષી ભારતમાં છે અને શ્રીલંકા ફરવા ગઈ છે. મીનાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શ્રીલંકાની સુંદર તસવીરો પોસ્ટ કરી છે.

મીનાક્ષીએ કોલંબોમાં આવેલા ગંગારામયા મંદિરની મુલાકાત લીધી હતી. ભક્તિ અને શાંતિનો અનુભવ કરાવતું આ એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. આ મંદિર શ્રીલંકાના સૌથી પ્રસિદ્ધ બૌદ્ધ મંદિરોમાંનું એક છે. અહીં ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને સંસ્કૃતિનો અનોખો અનુભવ મળે છે.

થોડા સમય પહેલાં મીનાક્ષીએ કહ્યું હતું કે ‘હું નવા વિચાર સાથે કમબૅક કરવા માગું છું. મારી ઇચ્છા છે કે હું આઇટમ-સૉન્ગ કરું. હું ઇચ્છું છું કે ‘પુષ્પા 3’માં મારું આઇટમ-સૉન્ગ હોય. હું એ વિચારને તોડવા માગું છું કે આઇટમ-સૉન્ગ માટે તમારી ઉંમર ૨૦ વર્ષની આસપાસ હોવી જોઈએ.’l

pushpa indian cinema allu arjun bollywood bollywood news entertainment news instagram social media