19 February, 2026 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘મન મન સ્વરાજ’ ગીતનું પોસ્ટર
શિવાજી જયંતીના પાવન અવસરે રિલીઝ કરવામાં આવેલું ‘મન મન સ્વરાજ’ ગીત શિવાજી મહારાજના વારસાને એક શક્તિશાળી સંગીતમય માનાંજલિ છે. આ ગીત છત્રપતિ શિવાજી મહારાજના જીવન, દૃષ્ટિ અને અવિસ્મરણીય વારસાનું ગૌરવગાન કરે છે. આ ગીતને પ્રખ્યાત સિંગર્સ દિવ્ય કુમાર અને લાલિત્ય મુનશીએ સ્વર આપ્યો છે, જ્યારે એની રચના જાણીતા ગીતકાર શ્રી રાઘવેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. આ સંગીતરચના સ્વરાજ્યની અદમ્ય ભાવનાને ઊર્જાસભર સંગીત અને પ્રેરક શબ્દો દ્વારા જીવંત બનાવે છે.
વીર રસથી ઓતપ્રોત ‘મન મન સ્વરાજ’ શિવાજી મહારાજના શૌર્ય, તેમની વ્યૂહાત્મક સમજ અને ન્યાય તથા સ્વરાજ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ ગીતના સંગીતકાર એ.વી.એન. પવનકુમારની રચના સ્વર અને શક્તિને એકસાથે ગૂંથીને એવી ભાવસભર અભિવ્યક્તિ સર્જે છે જે શ્રોતાઓમાં ગૌરવ અને શ્રદ્ધાની લાગણી જગાવીને રાષ્ટ્રને આકાર આપનારી મૂલ્યોની યાદ અપાવે છે.