26 July, 2025 06:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંડલા મર્ડર્સ, સરઝમીન, રંગીન
વાણી કપૂર ‘મંડલા મર્ડર્સ’ દ્વારા OTT પર ડેબ્યુ કરી રહી છે. આ ક્રાઇમ-થ્રિલરમાં વાણી જાસૂસ રિયા થૉમસનું પાત્ર ભજવી રહી છે, જે તેના સાથી વિક્રમ સિંહ (વૈભવ રાજ ગુપ્તા) સાથે ભયાનક સિરિયલ કિલિંગની તપાસ કરી રહી છે. જેમ-જેમ રિયા અને વિક્રમ કેસની ઊંડાઈમાં જાય છે, નવાં રહસ્યો ખૂલે છે. આ સિરીઝમાં સુરવીન ચાવલા અને શ્રિયા પિળગાંવકર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. નેટફ્લિક્સ પર જોવા મળશે આજથી.
સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાનની OTT પર રિલીઝ થયેલી બીજી ફિલ્મ ‘સરઝમીન’ કાશ્મીરમાં વધતી અશાંતિ વચ્ચે સૈન્ય અધિકારી વિજય મેનન (પૃથ્વીરાજ સુકુમારન)ની વાર્તા છે. તે પોતાની માતૃભૂમિ માટે જોખમ બનેલા આતંકવાદ સામે ઊભો છે. વિજય મેનનની વાસ્તવિક પરીક્ષા ત્યારે શરૂ થાય છે જ્યારે તેનો અને મીરા (કાજોલ)નો પુત્ર હર્મન (ઇબ્રાહિમ અલી ખાન) તાલીમ લઈને આતંકવાદી બની જાય છે. આ ફિલ્મ રાષ્ટ્રપ્રેમ અને પારિવારિક સંઘર્ષ વચ્ચે ફસાયેલા સૈન્ય અધિકારીની સ્ટોરી છે. આજથી જોવા મળશે જિયો હૉટસ્ટાર પર.
‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ અને ‘છાવા’ના સ્ટાર વિનીતકુમાર સિંહની નવી વેબ-સિરીઝ ‘રંગીન’ એક પર્ફેક્ટ પતિ અને તેની પત્નીની આસપાસ ફરે છે. બન્નેનું વિશ્વ ત્યારે બદલાઈ જાય છે જ્યારે સંબંધમાં દગાનો ખુલાસો થાય છે. આદર્શનું વિશ્વ આ દગાથી સંપૂર્ણપણે નાશ પામે છે. પ્રેમ, પુરુષત્વ અને નૈતિકતાની વાર્તામાં દરેક વળાંક પર પડકાર છે. આજથી જોવા મળશે ઍૅમૅઝૉન પ્રાઇમ પર.