મલયાલમ અભિનેત્રી સુબી સુરેશનું નિધન, 41 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

22 February, 2023 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુબી સુરેશે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિમિક્રી આર્ટિસ્ટ તરીકે પોતાની સફર શરૂ કરી હતી. તેમણે પોતાના કૉમેડી શૉ `સિનેમાલા`થી હેડલાઈન્સ બનાવી હતી

પ્રતીકાત્મક તસવીર

મલયાલમ અભિનેત્રી અને પ્રખ્યાત ટીવી હોસ્ટ સુબી સુરેશ (Subi Suresh)નું 22 ફેબ્રુઆરી - બુધવારે અવસાન થયું છે. તેઓ 41 વર્ષનાં હતાં. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સુબી લિવર સંબંધિત બીમારીથી પીડાતાં હતાં. બુધવારે સવારે કોચીની એક ખાનગી હૉસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. સુબી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતું, જેમણે તમામ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં.

સુબી સુરેશે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિમિક્રી આર્ટિસ્ટ તરીકે પોતાની સફર શરૂ કરી હતી. તેમણે પોતાના કૉમેડી શૉ `સિનેમાલા`થી હેડલાઈન્સ બનાવી હતી. તેમણે ટીવી શૉમાં અનેક પ્રકારના રોલ કર્યા, જેને કારણે લોકોના દિલ વિશેષ જગ્યા મેળવી. તે બાળકોના શૉ `કુટ્ટી પટ્ટલમ`માં પણ જોવા મળ્યાં હતાં. તેમની લોકપ્રિયતાને કારણે, તેમને મલયાલમ ફિલ્મોમાં કેટલાક ખાસ રોલ પણ મળ્યાં. તે `હેપ્પી હસબન્ડ્સ` અને `કંકનસિંહાસનમ` જેવી ફિલ્મોમાં કૉમેડી ભૂમિકાઓ માટે પણ જાણીતા છે.

કૉમેડિયન હરિશ્રી અશોકને કહ્યું એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં કહ્યું કે, “મને ક્યારેય ખબર નહોતી કે તે આ બીમારીથી પીડિત છે. મને કહેવામાં આવ્યું છે કે માત્ર બે અઠવાડિયામાં તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. તે એક જૉલી વ્યક્તિત્વ હતી અને તેની સહજતા માટે જાણીતી હતી. એક મહાન વ્યક્તિત્વ હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

કૉમેડિયન અને એક્ટર રમેશ પિશારોદીએ એશિયાનેટ ન્યૂઝને જણાવ્યું કે, “તેમની તબિયત છેલ્લા 15 દિવસથી સારી નહોતી. અમે ડોનર મેળવવાની કોશિશ કરી, પરંતુ તે બન્યું નહીં. કૉમેડી ક્ષેત્રે તે એકમાત્ર મહિલા હતી. તેણે પોતાના પરિવારની સંભાળ રાખવા માટે 20 વર્ષ સુધી ખૂબ સંઘર્ષ કર્યો.”

ઉલ્લેખનીય છે કે સૂર્યા ટીવી પર `કુટ્ટીપટ્ટલમ` નામના બાળકો માટેનો શૉ હોસ્ટ કર્યા પછી તે મલયાલી દર્શકોમાં જાણીતો ચહેરો બની ગયા હતા. તેણે 2006માં આવેલી ફિલ્મ `કનક સિંહાસનમ`થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પછીના વર્ષોમાં, તેમણે હેપ્પી હસબન્ડ, એલ્સમ્મા એન્ના અંકુટ્ટી વગેરે જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો.

આ પણ વાંચો: લતા મંગેશકરનું ગીત `હૈ ઈસી મેં પ્યાર કી આબરૂ` રિવાઈવ કર્યું અર્પિતા ચક્રવર્તીએ

ફેબ્રુઆરી 2023માં દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના 8 હસ્તીઓએ આ દુનિયાને અલવિદા કહ્યું, જેમાં વાણી જયરામ, તારક રત્ન, ટીપી ગજેન્દ્રન, કે વિશ્વનાથ, એસ. કે. ભગવાન, ફિલ્મ સંપાદક જી.જી. કૃષ્ણા રાવ અને હવે સુબી સુરેશનાં નામ સામેલ છે.

entertainment news bollywood news