27 August, 2025 06:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલાઇકા અરોરા
મલાઇકા અરોરા એકાવન વર્ષની વયે તેની પર્ફેક્ટ ફિટનેસને કારણે જાણીતી છે. મલાઇકાએ હાલમાં સોહા અલી ખાન સાથેના પૉડકાસ્ટમાં તેની ફૂડ-હૅબિટ્સ વિશે વાત કરતાં કહ્યું છે કે તે મોટી પ્લેટમાં ભોજન કરવાને બદલે વાટકીમાં ફૂડ લેવાનું પસંદ કરે છે, કારણ કે આ પદ્ધતિ તેને નાના પોર્શનમાં ભોજન લેવામાં મદદ કરે છે. આ હૅબિટ વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘હું ખરેખર પોર્શન-કન્ટ્રોલમાં માનું છું, આ એક એવી વસ્તુ છે જે હું ખરેખર કરું છું. મેં મારા આખા જીવનમાં આ કર્યું છે. હું ભાગ્યે જ પ્લેટમાં ખાઉં છું. હું હંમેશાં વાટકીમાં જ ભોજન કરું છું, કારણ કે એ જ મારા માટે આદર્શ પોર્શન-સાઇઝ છે. હું દિવસમાં ત્રણ કે ચાર વખત ભોજન કરું છું, પણ એ માત્ર વાટકામાં જ લેવાનું પસંદ કરું છું.’
મલાઇકાએ આ વાતચીત દરમ્યાન માહિતી આપી હતી કે ડાયટનું સંતુલન પોર્શન-મૅનેજમેન્ટમાં રહેલું છે. તેણે ભારપૂર્વક જણાવ્યું કે ફિટ રહેવા માટે ભોજન છોડવાની જરૂર નથી. એના બદલે દિવસમાં ત્રણથી ચાર વખત નિયંત્રિત પોર્શનમાં ભોજન કરવાથી ફાયદો થાય છે. મલાઇકાએ તેની દિનચર્યા વિશે જણાવતાં કહ્યું હતું કે એનો એક મહત્ત્વનો ભાગ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે અને અઠવાડિયામાં ત્રણ વખત એનું પાલન કરે છે. આમાં તે ૧૮ કલાક ઉપવાસ કરે છે અને ૬ કલાકની વિન્ડોમાં ભોજન કરે છે.