રીમિક્સ એવાં બનાવો જે ઓરિજિનલ ગીતને ન્યાય આપી શકે : અનુરાધા પૌડવાલ

22 May, 2023 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘દયાવાન’નું ‘આજ ફિર તુમ પે’ને અનુરાધા પૌડવાલે ગાયું હતું. એનું ‘હેટ સ્ટોરી 2’માં રીમિક્સ કરવામાં આવ્યું હતું.

અનુરાધા પૌડવાલ

અનુરાધા પૌડવાલનું કહેવું છે કે રીમિક્સ એવા બનાવો કે જે ઓરિ​જિનલ ગીતને ન્યાય આપી શકે. તેમનું સાથે જ કહેવું છે કે તેમણે રીમિક્સ ગીતને લઈને કમેન્ટ કરી હતી ન કે સિંગરને લઈને. ‘દયાવાન’નું ‘આજ ફિર તુમ પે’ને અનુરાધા પૌડવાલે ગાયું હતું. એનું ‘હેટ સ્ટોરી 2’માં રીમિક્સ કરવામાં આવ્યું હતું. એ વિશે ચોખવટ કરતાં ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરીને અનુરાધા પૌડવાલે લખ્યું કે ‘મીડિયા અને મારા ફૅન્સથી માંડીને મારા શુભચિંતકોને જણાવવા માગું છું કે હાલમાં જ મેં એક ન્યુઝપેપર માટે ઇન્ટવ્યુ આપ્યો હતો. એમાં તેમણે મને મારા ફાઉન્ડેશન અને હીઅરિંગ એઇડ ગિફ્ટ આપવા વિશે પૂછ્યું હતું. એ દરમ્યાન તેમણે મને પૂછ્યું કે તમને કેવા પ્રકારનું મ્યુઝિક સાંભળવું ગમે છે. સારું હોત કે એ આર્ટિકલમાં મારા કાર્ય વિશે લખવામાં આવ્યું હોત. હું હંમેશાં રીમિક્સને બદલે ઓરિજિનલ ગીત સાંભળવાનું પસંદ કરું છું. મેં ‘આજ ફિર તુમ પે’ના રીમિક્સને લઈને કમેન્ટ કરી હતી ન કે સિંગરને લઈને. રીમિક્સ એવાં બનવાં જોઈએ જે ઓરિ​જિનલ ગીતને ન્યાય આપી શકે. ’૯૦ના દાયકાનાં ગીતોને રીમિક્સ કરવામાં આવે છે, પરંતુ એના ઓરિજિનલ ગીતને ન્યાય નથી આપી શકતા. અમે પણ મ્યુઝિક કમ્પોઝર્સને ટ્રિબ્યુટ્સ આપીએ છીએ, પરંતુ તેમની ગરિમા જાળવીને. હું માનનીય મીડિયાને વિનંતી કરવા માગું છું કે મારા નિવેદનને સેન્સેશનલાઇઝ ન બનાવો. શું વિશ્વમાં અન્ય વસ્તુઓ નથી ચર્ચા કરવા માટે? અમે જરૂરિયાતમંદને હીઅરિંગ એઇડ્સ ગિફ્ટ કર્યાં હતાં એના વિશે ચર્ચા કરી હોત તો સારું થાત. મીડિયાએ એ વસ્તુને કવર કરી હોત તો એ પ્રશંસનીય હોત.’

entertainment news bollywood news bollywood gossips bollywood