મહાકુંભની મોનાલિસા સાથે થઈ મહાન છેતરપિંડી?

19 February, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રોડ્યુસર જિતેન્દ્ર નારાયણ સિંહે કહ્યું કે તેને લઈને બનનારી ફિલ્મ પૂરી થાય એવા ચાન્સ જ નથી, એનો ડિરેક્ટર ફ્રૉડ છે

જિતેન્દ્ર નારાયણ, વાઇરલ ગર્લ મોનાલિસા

વાઇરલ ગર્લ મોનાલિસાની પોઝિશન અત્યારે કોઈ સ્ટાર જેવી છે. મોનાલિસાને મહાકુંભમાં માળા વેચતી વખતે સ્પૉટ કરવામાં આવી હતી અને ધીરે-ધીરે તેના વિડિયો વાઇરલ થઈ ગયા. મોનાલિસાની આંખોની સુંદરતાએ બધાનું દિલ જીતી લીધું હતું અને પછી સમાચાર આવ્યા હતા કે મોનાલિસાને એક ફિલ્મ ઑફર થઈ છે. રિપોર્ટ પ્રમાણે સનોજ મિશ્રાએ ‘ધ ડાયરી ઑફ મણિપુર’ ફિલ્મ માટે મોનાલિસાને સાઇન કરી છે. આ પછી મોનાલિસાના ટ્રેઇનિંગના અને ઇવેન્ટમાં હાજરી આપવાના તેમ જ તેના મેકઓવરના વિડિયો ચર્ચામાં રહ્યા છે. જોકે હવે સનોજ મિશ્રા વિશે પ્રોડ્યુસર જિતેન્દ્ર નારાયણ સિંહે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

એક ઇન્ટરવ્યુમાં જિતેન્દ્ર નારાયણ સિંહે સનોજ મિશ્રા પર મોનાલિસા અને તેના પરિવારનો ગેરફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. જિતેન્દ્રએ કહ્યું છે કે સનોજ સાથે કામ કરવાનો તેમનો અનુભવ બહુ ખરાબ રહ્યો છે. આ બન્નેએ ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જિતેન્દ્રએ સનોજને ફ્રૉડ ગણાવીને તેની સતત શરાબ પીવાની આદતનો પણ ખુલાસો કર્યો છે.

જિતેન્દ્રએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘મોનાલિસા અને તેના પરિવાર માટે મને બહુ ખરાબ લાગી રહ્યું છે. તે લોકો બહુ સરળ અને સીધા લોકો છે, પણ સનોજ મિશ્રા જેવા લોકો તેના ઘર સુધી પહોંચી ગયા છે અને તેમણે પણ કોઈ બૅકગ્રાઉન્ડ ચેક કર્યા વગર પોતાની દીકરી તેના હવાલે કરી દીધી. કોઈ પણ નિર્માતા સનોજ મિશ્રાની ફિલ્મને સપોર્ટ નહીં કરે, કારણ કે તેની પાસે ફિલ્મ બનાવવા માટે પૈસા જ નથી.’

થોડા સમય પહેલાં ચર્ચા હતી કે મોનાલિસાને તેના પહેલા પ્રોજેક્ટ માટે ૨૧ લાખ રૂપિયા ફી આપવામાં આવશે અને તેને એક લાખ ઍડ્વાન્સ પણ આપી દેવામાં આવ્યા છે, ફિલ્મમાં તે રિટાયર્ડ આર્મી ઑફિસરની દીકરીનો રોલ ભજવશે અને આ ફિલ્મમાં અનુપમ ખેર પણ હોવાના રિપોર્ટ હતા. જોકે આને કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું.

kumbh mela viral videos bollywood bollywood news bollywood gossips entertainment news indian cinema upcoming movie