01 June, 2026 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવદાસના લોકપ્રિય ગીતમાં માધુરી દીક્ષિત
થોડા દિવસ પહેલાં સ્વર્ગસ્થ કોરિયોગ્રાફર સરોજ ખાનની ભૂતપૂર્વ અસિસ્ટન્ટ રુબીના ખાને એક દાવો કર્યો હતો કે ફિલ્મ ‘દેવદાસ’ના ગીત ‘ડોલા રે ડોલા’ શૂટિંગ દરમ્યાન માધુરી દીક્ષિત પ્રેગ્નન્ટ હતી. હવે આ ચર્ચાઓ અને અટકળો પર ખુદ માધુરીએ પ્રતિક્રિયા આપીને સત્ય જણાવ્યું છે. આ મામલે માધુરીએ કહ્યું હતું કે મારા મોટા દીકરા અરીનનો જન્મ ૨૦૦૩માં થયો હતો એટલે હવે તમે પોતે જ હિસાબ લગાવી લો.
માધુરીના મોટા દીકરા અરીનનો જન્મ ૨૦૦૩ની ૧૭ માર્ચે થયો હતો, જ્યારે ‘દેવદાસ’ ૨૦૦૨ની ૧૨ જુલાઈએ રિલીઝ થઈ હતી જેના કારણે ગીતના શૂટિંગ વખતે માધુરી ચાર મહિનાની પ્રેગ્નન્ટ હોય એ શક્ય નથી. જોકે માધુરીએ સ્પષ્ટ કર્યું કે ગીતનું શૂટિંગ શારીરિક રીતે ખૂબ થકવી નાખનારું હતું, પરંતુ એનું કારણ ગર્ભાવસ્થા નહોતું.
આ ગીતના શૂટિંગ વખતની પોતાની સ્થિતિ વિશે વાત કરતાં માધુરીએ કહ્યું હતું કે ‘એ સમયે હું ઘણી મુસાફરી કરી રહી હતી, તેથી મારી તબિયત થોડી ખરાબ હતી. હું સતત શૂટિંગ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હતી. મારું મોટા ભાગનું શૂટિંગ રાત્રે થતું હતું. તેથી આ મારા માટે ખૂબ થકાવનારો સમય હતો. મારી તબિયત થોડી ખરાબ હતી, પરંતુ કોઈ ખાસ ગંભીર વાત નહોતી.’