માધુરી દીક્ષિત: લોકો મને 'દુબળી' કહેતા, 'તેઝાબ'થી મારી જિંદગી બદલાઇ

26 May, 2020 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માધુરી દીક્ષિત: લોકો મને 'દુબળી' કહેતા, 'તેઝાબ'થી મારી જિંદગી બદલાઇ

તસવીર સૌજન્ય: યુટ્યુબ

છેલ્લા 36 વર્ષથી બોલીવુડમાં કાર્યરત અને બૉલીવુડની સફળ અભિનેત્રીઓમાં એક એટલે માધુરી દીક્ષિત નેને. 1984માં ફિલ્મ 'અબોધ'થી કારકીર્દીની શરૂઆત કરનાર માધુરીએ એક પછી એક હીટ ફિલ્મો આપી હતી. પણ આ સફળતા કંઈ સરળ નહોતી. તાજેતરમાં 'પિન્કવિલા'ને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ તેના સ્ટ્રગલના દિવસોને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે કઈ રીતે 'તેઝાબ' ફિલ્મે તેની જીંદગી બદલી.

માધુરી દીક્ષિત નેનેએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારી પહેલી ફિલ્મ 'અબોધ'ને જોઈએ તેટલી સફળતા નહોતી મળી અને મેં કોલેજ જવાની શરૂઆત કરી, પરંતુ એક્ટિંગનો ચસકો મને લાગી જ ગયો હતો. મને એક્ટિંગ ગમતી હતી અને મારે કેમેરા સામે રહેવું હતું. મેં 'આવારા બાપ', 'સ્વાતી' જેવી બે-ત્રણ ફિલ્મોમાં નાના-નાના સપોર્ટિંગ રોલ કર્યા. પરંતુ એક સમય આવે ત્યારે તમારે નક્કી કરવું જ પડે છે કે તમે ખરેખર શું કરવા માંગો છો. 'કર્મા' ફિલ્મમાં મે જ્યારે નાનકડા ગીતમાં પર્ફોમ કર્યું ત્યારે મારી મુલાકાત સુભાષ ઘાઈ સાથે થઈ અને તેમણે મને કહ્યું કે, જો હું નાના-નાના રોલ કરવાનું બંધ કરી દઈશ તો તેઓ મને તેમની ફિલ્મ 'રામ લખન'માં કાસ્ટ કરશે. હું ઈન્ડસ્ટ્રીમાંથી નહોતી એટલે મને ખબર નહોતી કે નાનો અથવા મોટો રોલ શું હોય.

1988માં ફિલ્મ આવી 'તેઝાબ' અને દરેકના દિલમાં માધુરીનો જાદુ છવાઈ ગયો. 'એક દો તીન' ગીતએ માધુરીને રાતોરાત સાતમા આસમાને પહોચાડી દીધી અને આ ગીતને લીધે ફિલ્મને પણ સફળતા મળી. પરંતુ આ ફિલ્મ પહેલા તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો અને કડવા વચનો પણ સાંભળવા પડેલા. માધુરીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ક્યારેય કોઈએ મારા મોઢા પર ખરાબ નથી કહ્યું. પરંતુ લોકો એમ કહેતા કે હું બહુ દુબળી છું. પણ મેં લોકોની ટિપ્પણીઓને નહીં મારી મહેનતને મહત્વ આપ્યું અને પછી 'તેઝાબ'ની સફળતા પછી લોકો માટે એ મેટર નહોતું કરતું..

entertainment news bollywood bollywood news madhuri dixit