23 June, 2026 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મના સેટ પર ૧૭ જૂને વહેલી સવારે ૪૨ વર્ષના સુથાર ચંદ્રધારી સિંહ યાદવનું ગંભીર વીજકરંટ લાગવાથી મૃત્યુ થવાની ઘટના બની છે. આ ઘટના ફિલ્મસિટી ખાતે આવેલા સ્ટુડિયોમાં બની હતી અને એ સમયે આલિયા ત્યાં જ શૂટિંગ કરી રહી હતી. પ્રાથમિક તપાસમાં શૉર્ટ સર્કિટના કારણે કરંટ લાગ્યાનું સામે આવ્યું છે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇઝ (FWICE)એ આ મામલે ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા જાહેર કરાયેલા ૪૦ લાખ રૂપિયાના વળતરને વધારીને ૫૦ લાખ રૂપિયા કરવાની ડિમાન્ડ કરી છે.
આ મામલે FWICEના જનરલ સેક્રેટરી અશોક દુબેએ વર્કર્સના કામના કલાકો પર સવાલ ઉઠાવ્યા છે. રિપોર્ટ પ્રમાણે ચંદ્રધારી સિંહ યાદવ અકસ્માત પહેલાં સતત ત્રણ દિવસથી ખૂબ જ કડક શેડ્યુલમાં કામ કરી રહ્યો હતો. ફેડરેશનનું કહેવું છે કે સતત લગભગ ૨૦ કલાક કામ કરવાને કારણે થાક અને સુરક્ષાવ્યવસ્થામાં ખામી આ અકસ્માતનું કારણ હોઈ શકે છે. આ સંજોગોમાં ફેડરેશને તમામ પ્રોડક્શન હાઉસિસને સેટ પર કડક સેફ્ટી-ચેક લાગુ કરવાની ડિમાન્ડ કરી છે.
દુર્ઘટના બાદ ભણસાલી પ્રોડક્શન્સે પીડિત પરિવારને ૪૦ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની વાત કહી છે. આ વિશે FWICEના પ્રેસિડેન્ટ બી.એન. તિવારીએ જણાવ્યું હતું કે ‘ચંદ્રધારી સિંહ યાદવનાં બાળકો હજુ ખૂબ નાનાં છે. પરિવારને તેમના શિક્ષણ માટે વધુ મદદની જરૂર પડશે તેથી વળતરની રકમને વધારીને ૫૦ લાખ રૂપિયા કરવી જોઈએ. આ સિવાય ભણસાલી પ્રોડક્શન્સ ચંદ્રધારી સિંહ યાદવની પત્નીને સ્થાયી આવક માટે નોકરી આપે એવી વિનંતી છે. ચંદ્રધારી સિંહ યાદવ એક અત્યંત પ્રતિભાશાળી કાર્યકર હતો અને આ રીતે તેની વિદાય સમગ્ર ઉદ્યોગ માટે દુખદ છે.’