દોઢ કલાકની સિંગલ શોટ ફિલ્મ ‘લોમડ’ના દિગ્દર્શક હેમવંત તિવારી સાથે વાતચીત

13 May, 2021 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોઇપણ એક ફૂલ લેન્થ ફિલ્મમાં લગભગ 80થી 85 સીન્સ હોય પણ હેમવંત તિવારીની ફિલ્મ ‘લોમડ’ એટલે કે શિયાળ એક એવી ફિલ્મ છે જે સળંગ શૂટ થઇ છે.

લોમડના પોસ્ટરમાં એક્ટર ડાયરેક્ટર હેમવંત તિવારી

કોઇપણ ફિલ્મ બને ત્યારે તેમાં એક સીન માટે એકથી વધુ કૅમેરા હોય, લોંગ શોટ હોય, ક્લોઝઅપ હોય તો જરૂર પડે વાઇડ એંગલ પણ હોય અને પછી એડિટિંગ ટેબલ પર આમાંથી અનિવાર્યતા પ્રમાણે એડિટીંગ કરીને ફાઇનલ સીન તૈયાર થાય. કોઇપણ એક ફૂલ લેન્થ ફિલ્મમાં લગભગ 80થી 85 સીન્સ હોય પણ હેમવંત તિવારીની ફિલ્મ ‘લોમડ’ એટલે કે શિયાળ એક એવી ફિલ્મ છે જે સળંગ શૂટ થઇ છે.

હેમવંતને 11મા દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. તેમની શોર્ટ ફિલ્મ એક કલાક 33 મિનીટની ફિલ્મ છે જેમાં એક પણ કટ નથી. આ અંગે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે વાત કરતાં હેમવંતે જણાવ્યું કે, “ફિલ્મ માટે એક જ કૅમેરાનો ઉપયોગ થયો છે. એક વાર એક્શન બોલાય પછી ફિલ્મ પુરી થાય ત્યારે જ કટ બોલાય. નસીબ જોગે અમે એટલા રિહર્સલ્સ કર્યા હતા કે બીજા ટેકમાં જ ફિલ્મ પુરી કરી શક્યા. પહેલીવારમાં 88મી મિનિટે કેસેટ પુરી થઇ ગઇ અને અમારે શૂટ અટકાવવું પડ્યું નહિંતર કદાચ ફર્સ્ટ ટેકમાં દોઢ કલાકની ફિલ્મ થઇ ગઇ હોત.” હેમવંતનું કહેવું છે કે સિંગલ શોટમાં બ્લેક એન્ડ વ્હાઇટમાં શૂટ થયેલી આ પહેલી ફિલ્મ છે. વેયર બોન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિપેન્ડટ ફિલ્મ એન્ડ મ્યુઝિક ફેસ્ટીવલ્સમાં શ્રેષ્ઠ ફોરેન ફિલ્મ તથા બેસ્ટ ફોરેન ડાયરેક્ટર જેવી શ્રેણીમાં એવોર્ડ મેળવી ચૂકેલી આ ફિલ્મને અત્યાર સુધીમાં 15 દેશના ફેસ્ટિવલ્સમાં એવોર્ડ પ્રાપ્ત થયા છે.  હેમવંતનું કહેવું છે કે તેને તેની પહેલી ફિલ્મથી જ કંઇક અલગ કરવું હતું.

ફિલ્મનું કથાનક કંઇક એવું છે કે એક યુવક અને યુવતી એકબીજાને સોશ્યલ મીડિયા પર મળે છે અને પછી દોસ્તી આગળ વધે છે. તેઓ એકબીજાને પર્સનલી મળે છે પણ અમુક સંજોગોમાં તેઓ ફસાય છે અને ત્યારે તેમને કોઇ બીજી વ્યક્તિ પણ મળે છે- જે છે લોમડ એટલેકે શિયાળ. મૂળ તો માણસની અંદર કેટલીક સ્વભાવગત વિચિત્રતા અને શાતિરતા હોય છે જે અમૂક સમયે જ બહાર આવે છે જેના બેઝ પર જ આ કથા લખાઇ છે. હેમવંત કહે છે, “આ ફિલ્મ લખવી અને બનાવવી બંન્ને પડકાર હતા પણ તે જ તેની યુએસપી છે. એક્ટર્સ માટે શ્રેષ્ઠ તો એ છે કે તેમના પરફોર્મન્સમાંથી કશું જ કપાયું નથી. ”

dadasaheb phalke award