બેલબૉટમના સેટ પર એકબીજાની કંપની હોવાથી જેલ જેવું નહોતું લાગતું: લારા

18 October, 2020 07:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેલબૉટમના સેટ પર એકબીજાની કંપની હોવાથી જેલ જેવું નહોતું લાગતું: લારા

લારા દત્તા

લારા દત્તાનું કહેવું છે કે ‘બેલબૉટમ’ના સેટ પર તેમને એકબીજાની કંપની હોવાથી જેલ જેવું નહોતું લાગ્યું. જૅકી ભગનાણી અને દીપશિખા દેશમુખ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને રણજિત એમ. તિવારીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને વાણી કપૂર પણ છે. લૉકડાઉન દરમ્યાન આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી અને તેમણે એનું તમામ શૂટિંગ સ્કૉટલૅન્ડમાં કર્યું હતું. આ એક્સ્પીરિયન્સ વિશે પૂછતાં લારા દત્તાએ કહ્યું હતું કે ‘ઇન્ડિયામાં કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા હોવાથી દરેક વ્યક્તિ થોડી ચિંતામાં હતી. જોકે સેટ પર જે પ્રોટોકૉલ ફૉલો કરવામાં આવતા હતા અને જે સેફ્ટી માટે તકેદારી લીધી હતી એ જોઈને મને હાશકારો થયો હતો. લૉકડાઉન બાદ અમારી પહેલી ફિલ્મ હતી જેનું શૂટિંગ શરૂ થયું હતું. અમે નર્વસ હતાં, પરંતુ અમારે કામ પણ ફરી શરૂ કરવું હતું. સેફ્ટી બબલને ધ્યાનમાં રાખીને અમને દરેકને ચાર્ટર્ડ પ્લેનમાં સ્કૉટલૅન્ડ લઈ જવામાં આવ્યાં હતાં. લૅન્ડ કર્યા બાદ અમારી ટેસ્ટ કરવામાં આવી હતી અને અમને બે અઠવાડિયાં સુધી ક્વૉરન્ટીન કરવામાં આવ્યાં હતાં. અક્ષય અને દીપશિખા તેમનાં બાળકો સાથે આવ્યાં હતાં અને હું પણ લઈને ગઈ હતી. અમારી પાસે એકબીજાની કંપની હતી એટલે અમને જેલ જેવું નહોતું લાગી રહ્યું. અમારી બધાની ટેસ્ટ નેગેટિવ આવી હોવાથી અમે એકબીજા સાથે સમય પસાર કરતાં હતાં, પરંતુ બાળકોને ધ્યાનમાં રાખીને અન્ય લોકોને નહોતાં મળતાં.’

કામ વિશે વાત કરતાં લારાએ કહ્યું હતું કે ‘શૂટિંગ જ્યારે શરૂ થયું ત્યારે સેટ પર પહેલી ઍક્ટર હું હતી. લૉકડાઉન બાદ પહેલી ફિલ્મ કરવાની મને ખૂબ ખુશી હતી. સેટ પર સૅનિટાઇઝેશન અને દરેક પ્રકરનાં ચેકઅપ કરવામાં આવતાં હતાં. ફૂડ ડિલિવરીથી લઈને ડ્રાઇવર સુધી દરેક બાબતની સેફ્ટીને ધ્યાનમાં રાખવામાં આવી હતી.’

entertainment news bollywood bollywood news bollywood gossips upcoming movie lara dutta