03 October, 2025 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુમાર સાનુ, રીટા ભટ્ટાચાર્ય
છેલ્લા કેટલાક સમયથી કુમાર સાનુની પર્સનલ લાઇફનો વિવાદ જાહેરમાં ચર્ચાઈ રહ્યો છે. થોડા સમય પહેલાં કુનિકા સદાનંદે સિંગર સાથેના તેના અફેરના કિસ્સાઓ જણાવ્યા હતા અને હવે કુમાર સાનુની એક્સ-વાઇફ રીટા ભટ્ટાચાર્ય પણ જાહેરમાં તેમના લગ્નજીવન દરમ્યાન તેની સાથે થયેલા દુર્વ્યવહારની ઘટનાઓની ચર્ચા કરી રહી છે.
આ સંજોગોમાં કુમાર સાનુએ તેની વકીલ સના રઈસ ખાન દ્વારા એક્સ-વાઇફ રીટા ભટ્ટાચાર્યને લીગલ નોટિસ મોકલી છે. આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે ‘૪૦ વર્ષથી વધુ સમયથી કુમાર સાનુએ સંગીતના માધ્યમથી લાખો લોકોને ખુશી આપી છે અને વિશ્વભરમાં પ્રેમ અને આદર મેળવ્યા છે. દુઃખ પહોંચાડનારું જૂઠાણું થોડા સમય માટે વિવાદ ઊભો કરી શકે છે, પણ એ કલાકારના વારસાને ક્યારેય નુકસાન નથી પહોંચાડી શકતું જેણે પેઢીઓને જીવનભર સંગીત અને યાદો આપ્યાં છે. અમે તેમની ગરિમા, વારસા અને પારિવારિક સન્માનનું રક્ષણ કરવા માટે તેમને કલંકિત કરવાના દુર્ભાવનાપૂર્ણ પ્રયાસોનો કાયદાની સંપૂર્ણ તાકાતથી મુકાબલો કરીશું. કોઈ વ્યક્તિ કે મીડિયા પ્લૅટફૉર્મને કોઈ પિતાના સન્માનને ઠેસ પહોંચાડવાનો કે સેન્સેશનલ સમાચારો માટે તેમના પરિવારના સન્માનનો બિઝનેસ કરવાનો અધિકાર નથી.’
કુમાર સાનુ અને રીટાએ ૧૯૮૦માં લગ્ન કર્યાં હતાં અને ૧૯૯૪માં બન્ને અલગ થઈ ગયાં હતાં. ૨૦૦૧માં કુમાર સાનુએ સલોની ભટ્ટાચાર્ય સાથે લગ્ન કરી લીધાં હતાં અને તેમની બે દીકરીઓ છે.