27 May, 2023 05:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સવારે ચાર વાગ્યા સુધી ચાલી ખાન્સની પાર્ટી
સલમાન ખાનના ઘરે શાહરુખ ખાન અને આમિર ખાને સવારે ચાર વાગ્યા સુધી પાર્ટી કરી હતી. આમિર ખાન મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે અને એથી તે સમયસર સલમાનના ઘરે પહોંચી ગયો હતો. જોકે સલમાન અને શાહરુખ ‘ટાઇગર 3’ના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી મોડા પહોંચ્યા હતા. તેમણે હાલમાં જ ૧૬ મેએ મિની ગેટ-ટુગેધર રાખ્યું હતું. એ દરમ્યાન તેમણે કરીઅર, સફળતા, નિષ્ફળતા અને જૂની યાદો પર ચર્ચા કરી હતી. સાથે જ એવું જાણવા મળ્યું છે કે સલમાન અને શાહરુખે આમિરને સલાહ આપી હતી કે તે જેમ બને તેમ વહેલાસર ફિલ્મોમાં પાછો ફરે. તો આમિરે જવાબ આપ્યો હતો કે તે હાલમાં ઘણી સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે. આ સિવાય આમિરે તેની આગામી ફિલ્મ ‘ચૅમ્પિયન્સ’ સલમાનને ઑફર કરી હતી. તે સલમાનને આ ફિલ્મમાં લેવા માટે આતુર છે. આમિરને રાતે વહેલા સૂવાની ટેવ છે, પરંતુ તે બન્નેની સાથે સવારે ચાર વાગ્યા સુધી બેઠો રહ્યો. તેને એહસાસ જ ન થયો કે સમય કઈ રીતે પસાર થઈ ગયો.