કાર્તિક આર્યનનો પાકિસ્તાનીના કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નથી

04 August, 2025 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં થયેલા એક વિવાદમાં તેની ટીમે સ્પષ્ટતા કરી છે

કાર્તિક આર્યન

હાલમાં ચર્ચા હતી કે કાર્તિક આર્યન અમેરિકાના હ્યુસ્ટનમાં એક પાકિસ્તાની વ્યક્તિની માલિકીની  રેસ્ટોરાં દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવાનો છે. આ મામલે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇઝ (FWICE) દ્વારા શનિવારે કાર્તિક આર્યનને એક પત્ર મોકલવામાં આવ્યો હતો. FWICEએ સોશ્યલ મીડિયામાં આ પત્ર સાથે એક પોસ્ટર પણ શૅર કર્યું છે, જેમાં કાર્તિકને કાર્યક્રમના ચીફ ગેસ્ટ તરીકે દર્શાવવામાં આવ્યો છે. જોકે આ મામલે કાર્તિક આર્યનની ટીમે સ્પષ્ટતા કરી છે કે તેમને આ કાર્યક્રમ સાથે કોઈ લેવાદેવા નથી. કાર્તિક આર્યનની ટીમે સ્પષ્ટતા કરી છે કે ‘કાર્તિક આર્યનનો આ કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નથી. તેણે ક્યારેય એમાં હાજરી આપવાની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. અમે આયોજકોનો સંપર્ક કર્યો છે અને તેમને કાર્તિકના નામ અને ફોટોવાળી બધી પ્રમોશનલ કન્ટેન્ટને દૂર કરવા વિનંતી કરી છે.’

FWICEએ આ મામલામાં કાર્તિક આર્યનને જે પત્ર લખ્યો હતો એમાં કહેવામાં આવ્યું હતું કે ‘અમને જાણવા મળ્યું છે કે તમે ૧૫ ઑગસ્ટે અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાનાર ‘આઝાદી ઉત્સવ’માં ભાગ લેવાના છો. આ કાર્યક્રમના પોસ્ટરમાં તમને મુખ્ય મહેમાન તરીકે દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે આવા કાર્યક્રમો વિદેશમાં ભારતીય સંસ્કૃતિનું સન્માન વધારે છે, પરંતુ અમને દુઃખ છે કે આ કાર્યક્રમનું આયોજન પાકિસ્તાની વ્યક્તિ શૌકત મરેડિયાની રેસ્ટોરાં આગા રેસ્ટોરાં અને કેટરિંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ રેસ્ટોરાં અને એના સહયોગીઓ બીજા એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે જેમાં પાકિસ્તાની ગાયક આતિફ અસલમ પર્ફોર્મ કરશે. તેઓ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે જશ્ન-એ-આઝાદી નામના કાર્યક્રમનું પણ પ્રમોશન કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય કાર્યક્રમોને એક જ સ્થળેથી પ્રમોટ કરવા એ માત્ર હિતોનો સંઘર્ષ જ નથી, પણ દેશની ભાવના અને નિર્દેશોની વિરુદ્ધ પણ છે. આ કાર્યક્રમનું આયોજન એક પાકિસ્તાની વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એમાં ભારતીય કલાકારોનું પાર્ટિસિપેશન દેશની ભાવનાઓ વિરુદ્ધ ગણી શકાય. જો તમને આયોજક વિશે પહેલાંથી ખબર ન હોય તો અમે તમને અપીલ કરીએ છીએ કે તમે તાત્કાલિક આ કાર્યક્રમમાંથી તમારું નામ પાછું ખેંચી લો અને જો તમને પહેલાંથી જ ખબર હતી તો આ વધુ ચિંતાનો વિષય છે. ૨૦૧૬માં ઉરી આતંકવાદી હુમલા અને ૨૦૧૯માં પુલવામા આતંકવાદી હુમલા પછી ઇન્ડસ્ટ્રીએ પાકિસ્તાની કલાકારો અને કાર્યક્રમોથી દૂર રહેવાનો સામૂહિક નિર્ણય લીધો હતો. આ બાબત ચિંતા અને જવાબદારીનો વિષય છે.’

kartik aaryan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news