કાર્તિક આર્યને ગુજરાતની પહેલી કોરોના સર્વાઇવર યુવતી સાથે કરી વાત

13 April, 2020 04:18 PM IST  |  Ahmedabad | Nirali Dave

કાર્તિક આર્યને ગુજરાતની પહેલી કોરોના સર્વાઇવર યુવતી સાથે કરી વાત

કાર્તિક આર્યન

કોરોના સ્ટૉપ કરો ના’ મોનોલોગથી ઇન્ટરનેટ પર છવાઈ ગયેલા અભિનેતા કાર્તિક આર્યને પોતાના ફૅન્સ સાથે ખરા અર્થમાં કનેક્ટ થવાનો વધુ એક રસ્તો શોધી કાઢ્યો છે. કાર્તિકે યુટ્યુબ ચૅનલ પર ‘કોકી પૂછેગા’ નામનો ચૅટ-શો શરૂ કર્યો છે જેમાં તે કોરોના વાઇરસ સર્વાઇવર સાથેની વાતચીતના માધ્યમથી વાઇરસ વિશે જાગૃતિ ફેલાવશે. આ શોનો પહેલો એપિસોડ રિલીઝ થયો છે જેમાં અમદાવાદની સુમિતિ સિંહ સાથે કાર્તિક વિડિયો-કૉલથી વાત કરતો જોવા મળે છે.

કાર્તિકે પોતાના ચૅટ-શોની શરૂઆત ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ફિલ્મના એક સીનને યાદ કરીને કરી હતી જેમાં જિમ્મી શેરગિલ આલ્કોહૉલ, સિગારેટનું વ્યસન ન હોવા છતાં કૅન્સરથી પીડાય છે. એનો ઉલ્લેખ કરીને કાર્તિકે સુમિતિ સિંહ વિશે જણાવ્યું કે સ્વચ્છતા બાબતે અત્યંત સજાગ હોવા છતાં તે કોરોનાની ચપેટમાં આવી ગઈ.

પોતાની યુટ્યુબ ચૅનલ વિશે કાર્તિકે કહ્યું કે ‘કોરોનાની મહામારી શરૂ થઈ ત્યારથી જ આ વાઇરસ વિશે ઘણી અફવા ચાલી રહી છે કે સાવચેતી માટે શું કરવું અને શું ન કરવું. હું મારા ટૉક-શોના માધ્યમથી દેશના દરેક ખૂણે કોરોના વિરુદ્ધ સાવચેતી વિશે સાચી જાગૃતિ ફેલાવવા માગું છું.’

kartik aaryan bollywood news entertainment news coronavirus