ઍક્શન ફિલ્મને ડિરેક્ટ કરશે કરણ

26 May, 2022 12:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પચાસ વર્ષ થતાં આગામી ફિલ્મની જાહેરાતની સાથે ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ની રિલીઝ ડેટ પણ જાહેર કરી

કરણ જોહર ગઈ કાલે પચાસ વર્ષનો થતાં અંધેરીમાં આવેલા યશરાજ સ્ટુડિયોમાં તેણે ગ્રૅન્ડ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં મોટા ભાગની સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. તેના માટે ખાસ કેક પણ ઑર્ડર કરવામાં આવી હતી.

કરણ જોહરે તેના જન્મદિવસે તેની ઍક્શન ફિલ્મની જાહેરાત કરી છે. આ સાથે જ તેની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ને પણ દસ ફેબ્રુઆરીએ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. તે ગઈ કાલે પચાસ વર્ષનો થયો હતો. કરણ જોહર અત્યાર સુધી લવ સ્ટોરી બનાવવા માટે અને ફૅમિલી ફિલ્મ બનાવવા માટે જાણીતો છે. જોકે હવે તે તેના ડિરેક્શનમાં પહેલી વાર ઍક્શન ફિલ્મને ડિરેક્ટ કરવા જઈ રહ્યો છે. આ માટે હજી સુધી કોઈ ઍક્ટરને પસંદ કરવામાં નથી આવ્યા, પરંતુ એની જાહેરાત બહુ જલદી કરવામાં આ‍વશે. બર્થ-ડે નિમિત્તે ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં શૅર કરેલા સ્ટેટમેન્ટમાં કરણ જોહરે લખ્યું હતું કે ‘હું આજે પચાસ વર્ષનો થઈ ગયો છું (આ એક ખરાબ સપના જેવો નંબર છે). મને ખબર છે કે મારી લાઇફમાં હું મિડ પૉઇન્ટ પર આવી ગયો છું, પરંતુ એમ છતાં મારી અંદર હજી એક આજના સમયનો યુવાન રહેલો છે. કેટલાક લોકો એને મિડલાઇફ ક્રાઇસિસ કહે છે, પરંતુ હું એને ગર્વથી લાઇફને કોઈ પણ પ્રકારની માફી વગર જીવવાની વાત કહું છું. હું ઇન્ડસ્ટ્રીમાં છેલ્લાં ૨૭ વર્ષથી છું અને હું નસીબદાર છું કે મારો સૌથી સારો અનુભવ રહ્યો છે. સ્ટોરીઝ કહેવી, કન્ટેન્ટ બનાવવી, ટૅલન્ટને શોધવી અને આગળ વધારવી અને મારી આંખની સામે સૌથી અદ્ભુત આર્ટિસ્ટને પર્ફોર્મ કરતા જોયા છે. આ વર્ષો મારા માટે ખૂબ જ સુંદર સપના જેવાં છે. મારી કરવામાં આવેલી ટીકાઓ, ફૂલોના ગુલદસ્તા, મારાં કરવામાં આવેલાં વખાણ, પબ્લિક ટ્રોલ બધા માટે હું ખૂબ જ આભારી છું. આ બધામાંથી હું શીખ્યો છું અને મેં મારો વિકાસ કર્યો છે.’
આ વિશે વધુ જણાવતાં કરણ 
જોહરે લખ્યું હતું કે ‘ફિલ્મો બનાવવી મારું ખૂબ જ મોટું પૅશન છે. ભૂતકાળમાં મારી બે ફિલ્મોની વચ્ચે ઘણો બ્રેક લીધો છે, પરંતુ આજે મારા બર્થ-ડેના દિવસે હું મારી આગામી ફિલ્મની જાહેરાત કરું છું. ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ને ૨૦૨૩ની દસ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે અને હું મારી ઍક્શન ફિલ્મનું શૂટિંગ ૨૦૨૩ના એપ્રિલમાં શરૂ કરી દઈશ.’

bollywood news karan johar