09 February, 2023 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનાં લગ્ન બાદ કરણ જોહરે તેમને લાગણીથી છલોછલ શબ્દો દ્વારા આશીર્વાદ પાઠવ્યા છે. કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી સિદ્ધાર્થ મલ્હોત્રાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. સિદ્ધાર્થ અને કિયારાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘હું સિદ્ધાર્થને દોઢ દાયકા પહેલાં મળ્યો હતો. તે શાંત, સ્ટ્રૉન્ગ અને સંવેદનશીલ હતો. હું કિયારાને મળ્યો. તે પણ શાંત, સ્ટ્રૉન્ગ અને સાથે જ સંવેદનશીલ હતી. બાદમાં તે બન્ને મળ્યાં અને એ ક્ષણે મને એહસાસ થયો કે તેઓ કદી ન જુદા પાડી શકાય એવો એક સંબંધ બનાવી શકે છે અને એક મૅજિકલ લવ સ્ટોરી ક્રીએટ કરી શકે છે. તેમને જોઈને એક પારંપરિક અને પારિવારિક ફેરી ટેલનો એહસાસ થાય છે. મોહબ્બતના મંડપમાં તેમણે એકબીજાને સાથ નિભાવવાનાં વચન આપ્યાં. એ વખતે હાજર તમામ લોકો તેમની ધડકન, તેમની એનર્જીનો એહસાસ કરી શકતા હતા. હું ગર્વથી બેસીને તેમને જોઈને ખુશ થતો હતો અને મારા દિલમાં તેમના માટે અપાર પ્રેમ ઊમટી રહ્યો હતો. આઇ લવ યુ સિડ, આઇ લવ યુ કિ. આજનો દિવસ તમારા માટે હંમેશાં માટે કાયમ રહે.’
કિયારા અડવાણીની વિદાય વખતે તેની ફૅમિલીને લાગણીવશ થઈને સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક મોટા દીકરા તરીકે ધ્યાન રાખવાનું આશ્વાસન આપ્યું છે.
રામચરણની વાઇફ ઉપાસનાએ તેમના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું કે ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ. આ ખૂબ જ સુંદર છે. તમારાં લગ્નમાં હાજર ન રહી શક્યાં એ માટે સૉરી. તમને બન્નેને ખૂબ પ્રેમ.’
કિયારા અને સિદ્ધાર્થ ગઈ કાલે જેસલમેરથી દિલ્હી સિદ્ધાર્થના ઘરે પહોંચી ગયાં છે. ત્યાં ન્યુલી મૅરિડ કપલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બન્ને થોડા દિવસ ત્યાં રોકાવાનાં છે.