27 April, 2026 05:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરણ જોહર - ફાઈલ તસવીર
નિર્માતા-નિર્દેશક કરણ જોહરે તાજેતરમાં જ તેના લોકપ્રિય ટીવી શો ‘કોફી વિથ કરણ’ની નવી સીઝનની જાહેરાત કરી છે. આનાથી શોના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. હવે નિર્માતાએ ઇન્ડસ્ટ્રીમાં થઈ રહેલા પેઇડ PR વિશે વાત કરી. પેઇડ PR કલ્ચરને બંધ કરવાની વાત કરતા તેમણે કહ્યું કે બોલિવૂડમાં પોતાના કામને જ બોલવા દેવું જોઈએ અને પ્રચાર-પ્રસાર ઓછો કરવો જોઈએ.
તાજેતરમાં `ધ વીક` દ્વારા આયોજિત ફિલ્મ ઇન્ડસ્ટ્રી પરની એક ચર્ચામાં કરણ જોહર સામેલ થયો હતો. અહીં એક સ્પર્ધકે જ્હાન્વી કપૂર અને શનાયા કપૂર જેવી અભિનેત્રીઓ દ્વારા તેમની તાજેતરની ફિલ્મો `પરમ સુંદરી` અને `તૂ યા મેં` માટે `મેથડ માર્કેટિંગ` કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પૂછ્યું કે શું PRનો આ ટ્રેન્ડ બોલિવૂડમાં પણ ફેલાઈ શકે છે?
આના પર કરણે જવાબ આપ્યો કે, "મને લાગે છે કે બોલિવૂડમાં PR કરવાનું બંધ કરી દેવું જોઈએ. તે વધુ સારું રહેશે. તેમણે પોતાની સિદ્ધિઓને જાતે જ બોલવા દેવી જોઈએ કારણ કે કમનસીબે આજકાલ બધું PR પેઇડ PR જ છે. તેથી જો તમે એમ કહેવા માંગતા હોવ કે તમે સુંદર દેખાઈ રહ્યા છો, તો તમારે પૈસા આપવા પડશે."
"જો તમારે કહેવું હોય કે તમે પૃથ્વી પરના શ્રેષ્ઠ અભિનેતા છો, તો તમારે પૈસા આપવા પડશે. મને લાગે છે કે PRના કિસ્સામાં આપણે હદ કરતા વધારે સક્રિય છીએ. તેથી, તેઓ મેથડ માર્કેટિંગ કરી રહ્યા છે કે નહીં, તે મહત્વનું નથી. તેઓએ પોતાની માર્કેટિંગ કરવાનું બંધ કરી દેવું જોઈએ અને પોતાના કામને બોલવા દેવું જોઈએ."
આ દરમિયાન કરણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેના આમ કહેવા પાછળ તેનું નિશાન કોઈ ખાસ કલાકાર નહોતો, પરંતુ તે સામાન્ય ટ્રેન્ડ વિશે વાત કરી રહ્યો હતો. તેણે આગળ કહ્યું કે, "મારો મતલબ એવા લોકોથી નથી, જેના વિશે તમે વાત કરી રહ્યા છો. મારો મતલબ સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે છે. PR અને માર્કેટિંગ કામની મહત્વની કેટેગરી છે અને તેને તે મુજબ જ કરવું જોઈએ."
"પરંતુ હવે દરેક વસ્તુ પૈસાથી મળી જાય અને એ ખરેખર ત્રાસ થાય એવું તો છે જ, કારણ કે ત્યારે તમને પૈસા આપીને પ્રખ્યાતી મળે ત્યારે તમને એ અંદાજ નથી મળતો કે લોકોને ખરેખ શું ગમે છે અને શું નહીં. હવે તમે દરેક વસ્તુને આ જ દ્રષ્ટિથી જુઓ છો કે, ‘શું લોકો ખરેખર તેને પસંદ કરી રહ્યા છે કે તેમને પસંદ કરવા માટે પૈસા આપવામાં આવ્યા છે?’"
વર્કફ્રન્ટની વાત કરીએ તો કરણ જોહર આજકાલ તેના નિર્દેશનમાં બનનારી આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. દિગ્દર્શક તરીકે તેની છેલ્લી ફિલ્મ વર્ષ 2023માં આવેલી `રોકી ઔર રાની કી પ્રેમ કહાની` હતી. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. જ્યારે તેના પ્રોડક્શન હાઉસની આગામી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ છે. જેમાં લક્ષ્ય અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ જ ચર્ચામાં કરણે ચોખવટ કરી હતી કે `કૉફી વિથ કરણ` ની નવી સીઝન આ વર્ષે દિવાળીથી આવશે. આ નવમી સીઝન હશે. આ પહેલા ‘કોફી વિથ કરણ’ની 8 સીઝન આવી ચૂકી છે.