સુહાના સુપર ટૅલન્ટેડ અને આર્યન ખાન અત્યંત મહેનતુ

09 May, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખનાં સંતાનોનાં જાહેરમાં બેમોઢે વખાણ કર્યાં કરણ જોહરે. શાહરુખનો દીકરો આર્યન નેટફ્લિક્સના શો ‘The Ba***ds of Bollywood’ સાથે ડિરેક્શનમાં ડેબ્યુ કરવા તૈયાર છે.

કરણ જોહર, સુહાના ખાન અને આર્યન ખાન

ફિલ્મમેકર કરણ જોહર વર્ષોથી શાહરુખ ખાનનો બહુ નજીકનો મિત્ર છે. આને કારણે જ તે શાહરુખનાં સંતાનો આર્યન અને સુહાનાની પણ બહુ નિકટ છે. શાહરુખનાં સંતાનો બૉલીવુડમાં પોતપોતાની રીતે આગળ વધવાના પ્રયાસ કરી રહ્યાં છે. સુહાનાએ ‘ધી આર્ચીઝ’થી ડેબ્યુ કર્યું હતું અને હવે તે પિતા શાહરુખ સાથે ‘ધ કિંગ’માં જોવા મળશે. શાહરુખનો દીકરો આર્યન નેટફ્લિક્સના શો ‘The Ba***ds of Bollywood’ સાથે ડિરેક્શનમાં ડેબ્યુ કરવા તૈયાર છે.

આર્યન અને સુહાના પોતાની રીતે પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે એક પૉડકાસ્ટમાં કરણ જોહરે જાહેરમાં તેમનાં બહુ વખાણ કર્યાં છે. કરણે કહ્યું છે કે ‘હું માનું છું કે લોકોએ હજી સુહાનાની પ્રતિભા જોઈ નથી. મેં તેની સ્ટુડન્ટ તરીકે ઍક્ટિંગ કરેલી ફિલ્મો જોઈ છે, મેં તેની કળામાં મૂકેલી મહેનત જોઈ છે. હવે જ્યારે લોકો તેને શાહરુખ સાથે ‘ધ કિંગ’માં જોશે ત્યારે તેમને અહેસાસ થશે કે તેનામાં અદ્ભુત પ્રતિભા છે. સુહાના મારી દીકરી જેવી છે એટલે હું આમ નથી કહી રહ્યો, પણ હું આ એટલા માટે કહું છું કે મને લાગે છે કે સુહાનામાં એક સશક્ત કલાકાર છે.’

આ પૉડકાસ્ટમાં શાહરુખના દીકરા આર્યન વિશે વાત કરતાં કરણે કહ્યું છે કે ‘મને આર્યનની ડિરેક્ટર તરીકેની પ્રતિભામાં ખૂબ વિશ્વાસ છે. હું ફક્ત એટલું જ કહીશ કે જો શાહરુખ કિંગ છે તો આર્યન પ્રિન્સ છે. હું આ આત્મવિશ્વાસથી કહી શકું છું, કારણ કે મેં શો જોયો છે. ડિરેક્ટર તરીકે તેનો પોતાનો વ્યક્તિગત અવાજ છે. તે શાંતિથી કામ કરે છે અને પિતાની સફળતાને પોતાના પર હાવી નથી થવા દેતો. તે સખત મહેનત કરે છે, તે દિવસમાં ૨૦ કલાક કામ કરે છે, તેને જીતવાનું ગમે છે, તે હારને પર્સનલી લે છે અને જીતવા માટે સખત મહેનત કરે છે.’

karan johar suhana khan aryan khan bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news