11 July, 2023 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહર અને વિકી કૌશલ
કરણ જોહર હવે વિકી કૌશલને પસંદ કરીને ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. કરણે ઘણા ઍક્ટર્સને લઈને ફિલ્મ બનાવી છે, પરંતુ બૉક્સ-ઑફિસ પર તેની ફિલ્મો હાલમાં કામ નથી કરી રહી. તે હવે વિકીને લઈને ફિલ્મ બનાવી રહ્યો છે, જેનું ટાઇટલ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. જોકે આ ફિલ્મને આવતા વર્ષે ૨૩ ફેબ્રુઆરીએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મની જાહેરાત કરતાં કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘આ ફિલ્મ ઘણાંબધાં કારણોસર મારા દિલની ખૂબ જ નજીક છે. અમ્રિતપાલ સિંહ બિન્દ્રા મારા માટે પ્રોડ્યુસરની સાથે ફૅમિલી પણ છે. સમયની સાથે કન્ટેન્ટ અને ટૅલન્ટની બાબતમાં ખૂબ જ વિકાસ થયો છે. જોકે તેણે જે રીતે તેની કંપની બનાવી છે એના પર મને ગર્વ છે. તેની કંપની કોઈ પણ કમર્શિયલ વસ્તુ પહેલાં ગુડવિલને પ્રાધાન્ય આપે છે. તેનો પાર્ટનર આનંદ તિવારી અને અમારી ફિલ્મનો ડિરેક્ટર ખૂબ જ મસ્તીખોર છે, પરંતુ તેનું દિલ એટલું જ સાફ છે. વિકી કૌશલ સાથે કામ કરવાને લઈને હું ખૂબ જ ઉત્સાહી છું. એક આર્ટિસ્ટ તરીકે હું તેને ખૂબ જ એડ્માયર કરું છું, પરંતુ તે એટલો જ સારો માણસ પણ છે. તેને ફરી ડિરેક્ટ કરવા માટે પણ હું ખૂબ જ ઉત્સાહી છું. અમે લસ્ટ સ્ટોરીઝમાં ખૂબ જ મજા કરી હતી. એમી વિર્ક એનર્જીનું પાવરહાઉસ છે અને એટલો જ સારો આર્ટિસ્ટ પણ છે. ત્રિપ્તી ડિમરી પહેલી વાર કમર્શિયલ અવતારમાં જોવા મળશે. તેની હાજરી આ ફિલ્મમાં ખૂબ જ ગજબની છે. અપૂર્વ મેહતા અને હું પોતાને ખુશનસીબ માનીએ છીએ કે અમને લિયો મીડિયા કલેક્ટિવ પ્રોડક્શન સાથે મળીને કામ કરવાની તક મળી. હજી ઘણીબધી ફિલ્મો બનાવવાની બાકી છે દોસ્તો. આ અદ્ભુત ફિલ્મનું ટાઇટલ જાહેર કરવા માટે હું ખૂબ જ આતુર છું. અમારી ટીમ અને પ્રાઇમ વિડિયોની અમારી ફૅમિલીનો આભાર માનું છું.’