Film Review: ડિલિવરીમાં માર ખાઈ ગઈ

19 March, 2023 03:25 PM IST  |  Mumbai | Harsh Desai

કપિલ શર્માએ સિરિયસ રોલ જરૂર ભજવ્યો છે, પરંતુ એ નૅચરલ નથી લાગતો : નંદિતા દાસે ઘણા મુદ્દા ઉઠાવ્યા છે, પરંતુ તેણે ડિલિવરીબૉયને પડતી મુશ્કેલીની સાથે તેની પત્નીના પાત્રને પણ ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર હતી

ઝ્વિગાટો

કપિલ શર્માની ‘ઝ્‍વિગાટો’ શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નંદિતા દાસે ડિરેક્ટ કરી છે. કપિલ શર્માની ઍક્ટર તરીકેની આ ત્રીજી ફિલ્મ છે, જેમાં તેની સાથે શહાના ગોસ્વામીએ કામ કર્યું છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે નંદિતાની પણ ડિરેક્ટર તરીકેની આ ત્રીજી ફિલ્મ છે. કૉમેડિયન તરીકે જાણીતો કપિલ આ ફિલ્મમાં સિરિયસ રોલમાં જોવા મળ્યો છે.
કપિલે આ ફિલ્મમાં માનસ મહતોની ભૂમિકા ભજવી છે, જે ભુવનેશ્વરમાં તેની પત્ની પ્રતિમા અને બે બાળકો તથા મમ્મી સાથે રહે છે. કોરોનાકાળ બાદની આ સ્ટોરી છે. કપિલ એક કંપનીમાં સુપરવાઇઝર હોય છે. જોકે આઠ મહિનાથી તેની નોકરી છૂટી ગઈ છે. તેને જે કામ મળે એ કરવા તે તૈયાર હોય છે. એવામાં તે ઝ્‍વિગાટો ઍપ પર ડિલિવરીબૉયની નોકરી કરે છે. તે એક દિવસમાં ૧૦ ડિલિવરી કરવાનો ટાર્ગેટ રાખે છે. એક ડિલિવરી સાથે એક સેલ્ફી લેતાં તેને એક્સ્ટ્રા પૈસા મળે છે તેમ જ સારું રેટિંગ મળે તો તેને વધુ ફાયદો થાય છે એથી તે રેટિંગની ભાગદોડમાં અટવાયેલો જોવા મળે છે. ખરાબ રેટિંગ્સ અને તેના વર્તન તથા પેનલ્ટીને કારણે તેનો આઇડી એક દિવસ બ્લૉક કરી દેવામાં આવે છે. બીજી તરફ તેની પત્ની પ્રતિમા મૉલમાં સફાઈ-કર્મચારીની નોકરી કરવા તૈયાર હોય છે, પરંતુ માનસ એ માટે તૈયાર નથી થતો.
નંદિતાની ફિલ્મો હંમેશાં ધીમે-ધીમે સ્પીડ પકડે છે, પરંતુ આ ફિલ્મ એક સમય બાદ એક સ્પીડમાં ચાલતી જોવા મળે છે. એક સમય બાદ ફિલ્મ જરૂર કરતાં વધુ લાંબી લાગવા માંડે છે. નંદિતાએ તેની ફિલ્મ દ્વારા અમીર-ગરીબ વચ્ચેનો તફાવત, કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે એ અને ધાર્મિક ભેદભાવ દેખાડવાની કોશિશ કરી છે. એક મુસ્લિમ ડિલિવરીબૉય મંદિરમાં ડિલિવરી આપવા માટે ડરે છે. નંદિતાએ મિડલ ક્લાસની ફૅમિલીએ વધુ સારી રીતે દેખાડવાની જરૂર હતી. તેણે ડિલિવરીબૉયની મુશ્કેલી દેખાડી છે, પરંતુ ખરી મુશ્કેલીને પણ દેખાડવી જરૂરી હતી.
કપિલ શર્માએ આ વખતે એકદમ અલગ કામ કર્યું છે. તે આ રોલમાં બંધ બેસતો નથી. તેની કૉમેડીની જે ટેવ છે એ ઘણી વાર બહાર ઊછળી-ઊછળીને આવતી દેખાય છે તેમ જ તેની સિરિયસ વ્યક્તિની ઍક્ટિંગ ઓરિજિનલ નથી લાગતી. તે ઍક્ટિંગ કરતો હોય એવું દેખાઈ આવે છે. શહાના ગોસ્વામીએ સામાન્ય ઘરની મહિલાનું પાત્ર સારી રીતે ભજવ્યું છે, પરંતુ તેના પાત્રને વધુ મહત્ત્વ આપવાની જરૂર હતી. શહાનાએ સામાન્ય વ્યક્તિની બૉડી-લૅન્ગ્વેજ અને તેમને પડતી મુશ્કેલીઓ તથા લોકલ બોલીને પણ બરાબર પકડી હતી. ગુલ પનાગ, સ્વાનંદ કિરકિરે અને સયાની ગુપ્તાએ નાનકડા પાત્ર ભજવ્યાં છે, પરંતુ ફિલ્મની સ્ટોરીલાઇન પર કોઈ ખાસ અસર નથી પડતી.
સાગર દેસાઈએ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે. નંદિતા દાસની ફિલ્મ પ્રમાણે આ મ્યુઝિક બરાબર તાલમેલ ખાય છે. ફિલ્મની એક સારી વાત એ છે કે એમાં જબરદસ્તીથી ગીત ભર્યાં નથી. ફિલ્મમાં એક જ ગીત ‘યે રાત...’ છે અને એ સુનિધિ ચૌહાણે ગાયું છે. આ ગીતનું મ્યુઝિક તેના પતિ હિતેશ સૌનિકે આપ્યું છે.
કપિલ શર્મા વર્ષો બાદ ફિલ્મમાં જોવા મળ્યો છે, પરંતુ તેની આ ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવા કરતાં ડિજિટલી રિલીઝ કરી શકાઈ હોત.

bollywood news kapil sharma bollywood bollywood gossips entertainment news bollywood movie review harsh desai