ટ્વીટમાં વિવાદાસ્પદ લાગ્યું હોય તો હું અને રંગોલી જાહેરમાં માફી માગીશું

20 April, 2020 06:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્વીટમાં વિવાદાસ્પદ લાગ્યું હોય તો હું અને રંગોલી જાહેરમાં માફી માગીશું

કંગના રનોટે

કંગના રનોટે જણાવ્યું છે કે જો તેની બહેન રંગોલી ચંડેલનું ટ્વીટ વાંધાજનક લાગ્યું હોય તો તેઓ જાહેરમાં માફી માગવા માટે તૈયાર છે. આ આખું પ્રકરણ ત્યારે શરૂ થયું જ્યારે ટ્વિટર પર રંગોલીના ટ્વીટથી તેનું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે. એને જોતાં કંગનાની ટીમે એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે કહી રહી છે કે ‘મારી બહેન રંગોલી ચંડેલે ખાસ જણાવ્યું હતું કે જે લોકો ડૉક્ટરો અને પોલીસો પર હુમલો કરે છે તેમને ગોળીથી સીધા શૂટ કરવા જોઈએ. જોકે ફરાહ અલી ખાનજી જે સુઝૅન ખાનની બહેન છે અને રીમા કાગતીજી જે ખૂબ પ્રતિષ્ઠિત ડિરેક્ટર છે તેમણે રંગોલી પર ખોટા આરોપો મૂક્યા હતા કે રંગોલીએ મુસ્લિમ સમુદાય પર પ્રહાર કર્યો છે. જો એવું કોઈ પણ ટ્વીટ મળે છે કે જે મુસ્લિમ સમુદાય માટે છે તો હું અને મારી બહેન સામે ચાલીને સૌની માફી માગીશું. શું તેઓ એમ કહેવા માગે છે કે દરેક મુસલમાન આતંકવાદી છે? અમારું એવું માનવું નથી કે ડૉક્ટરો અને પોલીસો પર હુમલો કરનારા દરેક મુસલમાન છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરવા માગું છું કે ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ છે જે અહીંથી જ કરોડો, અરબોમાં આવક રળે છે અને આપણું જ ખાઈને આપણી જ થાળીમાં છેદ કરે છે. વડા પ્રધાન, ગૃહપ્રધાન અને આર.એસ.એસ. કે જેઓ દિવસ-રાત લોકોની સેવા કરે છે તેમને લોકો આતંકવાદી કહે છે, પરંતુ જે ખરેખર આતંકવાદી છે તેમને આતંકવાદી નથી કહી શકાતું. એથી આવાં પ્લૅટફૉર્મ્સ બંધ કરવાં જોઈએ. હું એ પણ જાણું છું કે દેશ હાલમાં સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. એથી આપણે કોઈ તો માર્ગ શોધી કાઢવો જોઈએ અને આવાં પ્લૅટફૉર્મ્સને હંમેશાં માટે બંધ કરવાં જોઈએ અને દેશને પોતાના જ એક મંચની શરૂઆત કરવી જોઈએ.’

entertainment news bollywood bollywood news bollywood gossips kangana ranaut