30 October, 2023 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ
કંગના રનોટે લોકોને અપીલ કરી છે કે તેઓ થિયેટરમાં જઈને ફિલ્મ જોવા જાય નહીં તો થિયેટરની સ્થિતિ દયનીય બની જશે. કંગનાની ‘તેજસ’ શુક્રવારે રિલીઝ થઈ છે. જોકે આ ફિલ્મ કાંઈ ખાસ કમાલ નથી કરી શકી. અગાઉ તેની ‘ચન્દ્રમુખી 2’ પણ રિલીઝ થઈ હતી. એ ફિલ્મ પણ બૉક્સ-ઑફિસ પર પટકાઈ ગઈ હતી. હવે લોકોને થિયેટરમાં ફિલ્મ જોવાની વિનંતી કરતો એક વિડિયો કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એ વિડિયોમાં કંગના કહી રહી છે કે ‘નમસ્તે દોસ્તો, અમારી ફિલ્મ ‘તેજસ’ થિયેટરમાં રિલીઝ થઈ છે. લોકો એ ફિલ્મ જોઈને અમારી પ્રશંસા કરી રહ્યા છે અને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે. કોવિડ બાદ અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પૂરી રીતે રિકવર નથી થઈ શકી. હું જાણું છું કે આજે દરેક પાસે મોબાઇલ ફોન છે અને ઘરમાં ટીવી છે. જોકે થિયેટર અમારો અગત્યનો ભાગ છે. એથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દર્શકો ખાસ કરીને મલ્ટિપ્લેક્સિસના દર્શકોને હું વિનંતી કરું છું કે જો તમે અગાઉ ‘ઉરી’, ‘મૅરી કૉમ’ અને ‘નીરજા’ જેવી ફિલ્મોનો આનંદ લીધો છે. તો તમને ‘તેજસ’ પણ ખૂબ પસંદ પડશે. જય હિન્દ.’
આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી, ‘કોવિડ પહેલાં થિયેટરની સ્થિતિ ખરાબ હતી અને કોવિડ બાદ તો એ ખૂબ ખરાબ રીતે પડી ભાંગ્યું છે. ઘણાં થિયેટર્સ બંધ થયાં છે. ફ્રી ટિકિટ્સ અને આકર્ષક ઑફર્સ આપવા છતાં પણ સ્થિતિ દયનીય બની રહી છે. એથી હું સૌને વિનંતી કરું છું કે તમે ફૅમિલી અને ફ્રેન્ડ્સની સાથે થિયેટરમાં જઈને ફિલ્મ જુઓ નહીં તો થિયેટર ટકી નહીં શકે.’
મારું ખરાબ ચાહનારાઓ બરબાદ થશે : કંગના
કંગના રનોટે તેનું ખરાબ ચાહનારાઓ માટે સોશ્યલ મીડિયામાં રોષ ઠાલવ્યો છે. તેણે જણાવ્યું કે જે લોકો તેનું સારું નથી ઇચ્છતા તેઓ બરબાદ થઈ જશે. એ વિશે સોશ્યલ મીડિયા એક્સ પર કંગનાએ લખ્યું હતું કે ‘જે લોકો મારા માટે ખરાબ વિચારતા હોય તેમની લાઇફ હંમેશાં માટે બરબાદ થવાની છે, કારણ કે તેઓ દરરોજ મને પ્રગતિ કરતી જોવાના છે. હું પંદર વર્ષની હતી ત્યારે ઘર છોડીને ભાગી ગઈ હતી. ત્યારે મારી પાસે કાંઈ નહોતું. હું જાતે જ મારું નસીબ લખતી ગઈ. એનો પુરાવો છે કે મહિલા સશક્તિકરણ અને આ દેશ માટે કાંઈક કરવા માટે હું બની છું. એ લોકોની મેન્ટલ હેલ્થ માટે હું ચાહીશ કે તેઓ મારી ફૅન ક્લબમાં જોડાઈ જાય. મારી ઇચ્છા છે કે મારા શુભચિંતકો એ લોકો સાથે પણ સારો વ્યવહાર રાખે અને તેમને યોગ્ય માર્ગ દેખાડે.’