07 May, 2023 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ
કંગના રનોટનું મકાન બીએમસીએ તોડી પાડ્યું હતું એથી તેણે બે કરોડ રૂપિયા વળતર પેટે માગ્યા હતા. જોકે તેણે જણાવ્યું છે કે તેને હવે પૈસા નથી જોઈતા. કંગનાએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેના બંગલાને ગેરકાયદે ધ્વસ્ત કરવામાં આવ્યો છે. તેણે બે કરોડ રૂપિયાની પણ ડિમાન્ડ કરી હતી. બાંદરાના પાલી હિલમાં આવેલી તેની પ્રૉપર્ટીને સપ્ટેમ્બર ૨૦૨૦માં તોડવામાં આવી હતી. એના વળતર વિશે પૂછવામાં આવતાં કંગનાએ કહ્યું કે ‘મને આજ સુધી કોઈ વળતર નથી મળ્યું. તેઓ મૂલ્યાંકનકર્તાઓને મોકલવાના હતા, એથી મેં વર્તમાનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે મુલાકાત કરી અને કહ્યું કે તમે જ મૂલ્યાંકનકર્તાઓને મોકલો. જે લોકો કરદાતાઓના પૈસાનો દુરુપયોગ કરતા હોય એવા લોકો મને નથી જોઈતા. મને હવે વળતર પણ નથી જોઈતું. કોર્ટે કહ્યું કે તેમણે મને વળતર ચૂકવવાનું રહેશે, પરંતુ એ લોકોએ હજી સુધી કોઈ મૂલ્યાંકનકર્તાઓને મોકલ્યા નથી. મેં કોઈ ડિમાન્ડ નથી કરી, કારણ કે હું જાણું છું કે આ કરદાતાઓના પૈસા છે એટલે મારે એ નથી જોઈતા.’