ઠગ લાઇફને કર્ણાટકમાં રિલીઝ કરાવવા કમલ હાસન હાઈ કોર્ટના શરણે

04 June, 2025 07:03 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

હવે આ મામલે રાહત મેળવવા માટે કમલ હાસને કર્ણાટક હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

કમલ હાસન

સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની આગામી ફિલ્મ ‘ઠગ લાઇફ’ વિવાદોમાં સપડાઈ છે. મણિ રત્નમે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ૫ જૂનના દિવસે રિલીઝ થવાની છે. થોડા સમય પહેલાં ફિલ્મની એક પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન કમલ હાસને કહ્યું હતું કે કન્નડા ભાષા તામિલમાંથી જન્મી છે. કમલ હાસનના આ નિવેદન પછી વિવાદ સર્જાયો હતો અને હવે આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો એટલું જ નહીં, કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઑફ કૉમર્સ (KFCC)ના અધ્યક્ષે જણાવ્યું હતું કે જો કમલ હાસન માફી નહીં માગે તો ‘ઠગ લાઇફ’ને કર્ણાટકમાં ચાલવા દેવામાં નહીં આવે. કન્નડા સમર્થક સંગઠનો પણ કહી રહ્યાં છે કે કમલ હાસને આ મામલે જવાબ આપવો પડશે અને તેમની માફી વિના ફિલ્મની રિલીઝ મુશ્કેલ છે. જોકે કમલ હાસને આ મુદ્દે માફી માગવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેમના નિવેદનને ગેરસમજણના કારણે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

હવે આ મામલે રાહત મેળવવા માટે કમલ હાસને કર્ણાટક હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કમલ હાસનની પ્રોડક્શન કંપની રાજકમલ ફિલ્મ્સ ઇન્ટરનૅશનલના CEO મારફત દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમણે કોર્ટને વિનંતી કરી છે કે રાજ્ય સરકાર, પોલીસ વિભાગ અને ફિલ્મ ટ્રેડ બૉડીઝને ફિલ્મની રિલીઝમાં અવરોધ ન ઊભો કરવા અને થિયેટરોમાં પૂરતી સુરક્ષા પૂરી પાડવા નિર્દેશ આપવામાં આવે.

kamal haasan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news karnataka high court