06 July, 2024 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘કલ્કિ 2898 AD’
‘કલ્કિ 2898 AD’ કલેક્શનની દૃષ્ટિએ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે એની સીક્વલની તૈયારી ચાલી રહી છે. ફિલ્મના ડિરેક્ટર નાગ અશ્વિને ખુલાસો કર્યો છે કે ફિલ્મના બીજા પાર્ટમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ અને કમલ હાસન વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે. થોડા સમય પહેલાં જ માહિતી મળી હતી કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને અગત્યની સીક્વન્સનું શૂટિંગ બાકી છે. ફિલ્મ વિશે નાગ અશ્વિન કહે છે, ‘અમે પચીસથી ત્રીસ દિવસનું શૂટિંગ કર્યું છે, પરંતુ હજી ઘણી ઍક્શન સીક્વન્સનું શૂટિંગ કરવાનું બાકી છે. આ એક તદ્દન નવા પ્રકારનું પ્રોડક્શન છે. અમે જેટલું શૂટિંગ અધૂરું રાખ્યું છે એને પહેલાં પૂરું કરવાનું છે. એમાં પણ સૌથી અગત્યનું તો એ ત્રણેયનો જોરદાર મુકાબલો છે. તેઓ નીડર યોદ્ધા છે.’
414.75- આઠ દિવસમાં કલ્કિ 2898 ADએ ભારતમાં બધી ભાષામાં મળીને આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો
ફિલ્મમાં અમિતાભ બચ્ચનના હાથે માર ખાવાની પ્રભાસની ઇચ્છા હતી. ‘કલ્કિ 2898 AD’માં પ્રભાસને એ વાતની જરાપણ ચિંતા નહોતી કે અમિતાભ બચ્ચનની હાજરીથી તેનો પ્રભાવ ઓછો પડશે. પ્રભાસ તો ચાહતો હતો કે ફિલ્મમાં તેને અમિતાભ બચ્ચનના હાથે માર ખાવો પડે. આ જ કારણસર તે અમિતાભ બચ્ચનને પણ કહેતો કે જરાપણ ચિંતા ન કરતા. ફિલ્મમાં સ્ક્રીન પ્રેઝન્સને લઈને પ્રભાસને કોઈ ચિંતા નહોતી. એ વિશે નાગ અશ્વિન કહે છે, ‘અમારી વચ્ચે આવી કોઈ ચર્ચા નહોતી થઈ. તેમના જેવા સ્ટાર માટે આ બધી વસ્તુઓ કોઈ મહત્ત્વ નથી રાખતી. તેઓ સ્ટોરીના પક્ષમાં હતા. સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ અને એને મંજૂરી આપ્યા બાદ તેમણે ખૂબ મદદ પણ કરી હતી. એક ઍક્ટર અન્ય ઍક્ટરની સાથે મારપીટ કરે એ ખૂબ મોટી વાત કહેવાય. પ્રભાસની તો હંમેશાં ઇચ્છા રહેતી કે અમિતાભ બચ્ચન તેની સાથે મારપીટ કરે. તે કહેતો કે સર, મને ટાઇટ પકડીને રાખો.’