15 June, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાજોલ અને અજય દેવગન
ડિરેક્ટર વિશાલ ફુરિયાના ડિરેક્શનમાં બનેલી માઇથોલૉજિકલ હૉરર ફિલ્મ ‘માઁ’ ૨૭ જૂને રિલીઝ થવાની છે અને કાજોલ ફરીથી મોટા પડદા પર જોવા મળશે. આ ફિલ્મ દેવગન ફિલ્મ્સના બૅનર હેઠળ કાજોલના પતિ અજય દેવગન દ્વારા નિર્મિત કરવામાં આવી છે. હાલમાં આ ફિલ્મની એક પ્રમોશનલ ઇવેન્ટમાં કાજોલે મજાક-મજાકમાં કહ્યું કે આ ફિલ્મ બનાવતી વખતે મારા પતિએ મને બહુ હેરાન કરી છે.
કાજોલે આ પ્રમોશનલ ઇવેન્ટમાં વાત-વાતમાં જણાવ્યું કે ‘આ ફિલ્મના નિર્માતા વિશે હું શું કહું? તેણે મને બહુ હેરાન કરી છે અને મને ત્રાસ આપવામાં આવ્યો છે. આ તો મજાક કરું છું, પણ સાચી વાત કહું તો તેઓ એક શાનદાર નિર્માતા છે. મારે તેમના વિશે આટલું જ કહેવું છે. મારા પતિ અજયે એક વાર મને કહ્યું હતું કે તું ખૂબ નસીબદાર છે, તને ખબર નથી કે તું કેટલી ભાગ્યશાળી છે, તું નિસાની દોસ્ત બની શકે છે, તું આખરે દાદી-નાની બનીશ, તું એક માતા છે, મારી પત્ની છે, તેં આ બધી ભૂમિકાઓને સારી રીતે અને સ્વાભાવિક રીતે નિભાવી છે, આ માટે કોઈ પ્રયાસ નથી કરવો પડ્યો. જોકે આ બધું કરવા માટે અજયે બહુ પ્રયાસ કરવા પડે છે.’
‘માઁ’ના ટ્રેલરે પહેલેથી જ લોકોમાં ઉત્સુકતા જગાડી છે. આ ફિલ્મ્માં કાજોલ એક એવી માતાની ભૂમિકામાં છે જે પોતાની પુત્રીને એક ભયાનક અલૌકિક શક્તિથી બચાવવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. એક સાદી રોડ-ટ્રિપથી શરૂ થતી આ યાત્રા એક ભયાનક અનુભવમાં બદલાય છે.