લૉકડાઉનને કારણે દુનિયામાં આવેલા કયા બદલાવોથી ખુશ છે કૈલાશ ખેર?

23 May, 2020 09:17 AM IST  |  Mumbai Desk | Ruchita Shah

લૉકડાઉનને કારણે દુનિયામાં આવેલા કયા બદલાવોથી ખુશ છે કૈલાશ ખેર?

કૈલાશ ખેર

જુહુમાં રહેતા આ પદ્મશ્રી કલાકારે સાધકની જેમ અંતરંગ યાત્રા માટે લૉકડાઉનના સમયને સાધ્યો છે. કુદરતની લપડાકે ભલભલા સંવેદનહીન થઈને દોડ્યા કરતા ધુરંધરોને સીધા કરી દીધા છે. આ સમયથી નિરાશ થવાની નહીં પણ સોનાની જેમ નિખરીને બહાર આવવાની પ્રેરણા તેઓ લોકોને આપી રહ્યા છે

ગ્લૅમરની દુનિયામાં રહીને પણ પોતાના રૂટ્સથી જોડાયેલા રહેલા સૂફી સિંગર, મ્યુઝિશ્યન અને પદ્મશ્રી અવૉર્ડી કૈલાશ ખેર જુહુમાં પોતાના ત્રણ માળના ઘરમાં રહીને દુનિયા સાથે સંવાદ પણ સાધી રહ્યા છે અને બહુ બધો પોતાનો મી ટાઇમ પણ સેલિબ્રેટ કરી રહ્યા છે. કૈલાશ ખેર કહે છે, ‘હુઆ ધ્યાન મેં ઈશ્વર કે મગન, ઉસે કોઈ કલેશ લગા ન રહા; જબ જબ જ્ઞાન કી ગંગામાં નાહી લિયા તો મનમેં મેલ ઝરા ન રહા. અત્યારે કંઈક આ રીતે મારા દિવસો પસાર થઈ રહ્યા છે. ધ્યાનીઓ જેમ ગુફામાં રહીને બને એટલો સમય પોતાના એકાંતમાં વિતાવતા હોય છે એમ અત્યારે હું પણ બહારથી ભીતરની યાત્રા માટે આ સમય પરમાત્મા સાથે વિતાવી રહ્યો છું. ગ્લૅમરના વિશ્વમાં રહેતો હોવા છતાં હું હિમાલયમાં હોઉં એ રીતે જીવતો હોઉં છું. કદાચ એટલે જ ઘણી વ્યાધિઓ, અડચણો, બાધાઓ અસર નથી કરી શકતી. મેડિટેશન કરું છું, કસરતો કરું છું. અત્યારે મારા દીકરા સાથે મને ભરપૂર સમય મળી રહ્યો છે. એ સિવાય હમણાં ઘણી ઑનલાઇન કૉન્સર્ટો અને વાર્તાલાપો સાધ્યા છે. રેડિયો પર ઘણી વાતો કરી છે. મને લાગે છે કે અત્યારે લૉકડાઉને મસમોટા ધુરંધરોને સીધા દોર કરી દીધા છે. બેફામ ઝાડ કાપનારા, નદીઓ પૂરીને બાંધકામ કરનારા અને જેમની સંવેદનશીલતા શુષ્ક થઈ ગઈ હતી એવા લોકોને કુદરતે દેખાડી દીધું કે ભાઈ, ઓકાતમાં રહે. એક અદૃશ્ય વિષાણુએ લોકોની સુકાઈ ગયેલી સંવેદનશીલતાને ફરી જાગ્રત કરી દીધી છે. કરુણારહિત થઈ ગયેલા લોકોમાં કરુણાનું અંકુરણ આ લૉકડાઉને કર્યું છે. કારોબારને વધારવા માટે ગાંડાતૂર બનીને પોતાને સર્વેસર્વા માનનારા લોકોને કુદરતે પોતાની શક્તિનો પરચો દેખાડી દીધો. વ્યાપારીકરણના અતિરેકને કારણે વ્યવહારીકરણ ભૂલી ગયેલા લોકોને જગાડી દીધા. લૉકડાઉનનો આપણે આભાર માનવો જોઈએ.’

આ ઉપરાંત કૈલાશ ખેર અત્યારે કોરોના વૉરિયર્સ માટે જાગરુકતા લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તે કહે છે, ‘ઘરનાં કામ કરવાં એ તો બહુ જ સામાન્ય બાબત છે. તમે ભોજન કરતા હો તો એ ભોજન કેવી રીતે આવે છે એ તમને ખબર જ હોવી જોઈએ. અત્યારે પોતાનાં કામ કરવાની આવડત ઘણા લોકોમાં વિકસી છે એ સારી બાબત છે, કારણ કે આવનારા સમયમાં એ કામ લાગશે. અત્યારે તમારી આસપાસના લોકોને સંભાળવાની તમારી જવાબદારી છે. મેં મારી સાથે સ્ટાફના લગભગ પચાસ પરિવારો સંકળાયેલા છે એમાંના કોઈને પણ પોતાને ગામમાં જવા નથી દીધા. તેમની વ્યવસ્થાઓ સાચવી લીધી છે. કેટલાંક નવાં આલબમ્સ અને ગીતો પણ બનાવ્યાં છે. લૉકડાઉન ખૂલ્યા પછી એને લૉન્ચ કરીશું.’

ruchita shah bollywood bollywood news mumbai bollywood gossips lockdown