22 June, 2025 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુહી ચાવલાના વર્તને બધાનાં દિલ જીતી લીધાં હતાં અને એના વિડિયો વાઇરલ થયા છે
આમિર ખાન અને જેનેલિયા દેશમુખની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ રિલીઝ થઈ ગઈ છે. ગુરુવારે એક મલ્ટિપ્લેક્સમાં ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બૉલીવુડના અનેક મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. આ સ્ક્રીનિંગમાં રેડ કાર્પેટ પર શાહરુખ ખાન, સલમાન ખાન, વિકી કૌશલ, રેખા, તમન્ના ભાટિયા, રિયા ચક્રવર્તી, જુહી ચાવલા જેવા સ્ટાર્સે હાજરી આપી હતી, જેમાં જુહી ચાવલાના વર્તને બધાનાં દિલ જીતી લીધાં હતાં અને એના વિડિયો વાઇરલ થયા છે.
આ સ્ક્રીનમાં એક તબક્કે જુહી ચાવલા અને ૯૦ વર્ષનાં આશા ભોસલેનો જ્યારે આમનોસામનો થયો ત્યારે જુહીએ તેમનાં ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા. આ સમયે આશાતાઈએ પ્રેમથી જુહીને ગળે લગાડી અને તેમની પૌત્રી ઝનાઈ ભોસલે સાથે પણ જુહીનો પરિચય કરાવ્યો. આમિર અને જુહીની મિત્રતા ૩૫ વર્ષ જૂની છે અને આજે પણ તેઓ જરૂર પડે ત્યારે એકમેકને સપોર્ટ કરે છે. તેમનો આ જ તાલમેલ ‘સિતારે ઝમીન પર’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ફરી જોવા મળ્યો.
જુહીના ચહેરા પર દેખાઈ વધતી વય
જુહી ચાવલાએ ‘સિતારે ઝમીન પર’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ સ્ક્રીનિંગમાં ૫૭ વર્ષની જુહી સુંદર તો લાગતી હતી, પણ તેના ચહેરા પર વધતી વયની અસર સ્પષ્ટ નજરે ચડતી હતી. જુહીના અનેક ફૅન્સે આ હકીકતને સોશ્યલ મીડિયા પર સ્વીકારી છે અને આ વિશે કમેન્ટ કરી છે.