04 September, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરહાન અખ્તર
ફિલ્મમેકર ફરહાન અખ્તરે ૨૦૨૧માં પ્રિયંકા ચોપડા, આલિયા ભટ્ટ અને કૅટરિના કૈફને મુખ્ય ભૂમિકામાં લઈને ‘જી લે ઝરા’ ફિલ્મની જાહેરાત કરીને ચાહકોને ખુશ કર્યા હતા. જોકે આ પછી પણ ફિલ્મ બનાવવાનું ક્યારે શરૂ થશે એ નક્કી નથી, જેના કારણે એવી ચર્ચા શરૂ થઈ હતી કે આ ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂકવામાં આવ્યો છે. આ સંજોગોમાં ફિલ્મના ડિરેક્ટરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂકવામાં નથી આવ્યો અને એ ચોક્કસ બનશે.
આ ઇન્ટરવ્યુમાં ફરહાને ફિલ્મ વિશે અપડેટ આપતાં કહ્યું, ‘હું એમ નહીં કહું કે ‘જી લે ઝરા’ બનાવવાનો પ્લાન કૅન્સલ થઈ ગયો છે. હું એમ કહીશ કે એને હાલપૂરતી બાજુએ મૂકવામાં આવી છે. આ ફિલ્મ ચોક્કસ બનશે. હું નથી જાણતો કે એ ક્યારે બનશે પરંતુ એની સ્ક્રિપ્ટ શાનદાર છે અને એના પર ઘણું કામ પહેલેથી જ થઈ ગયું છે. મેં લોકેશન-સ્કાઉટિંગ પૂર્ણ કરી લીધું છે, ફિલ્મ માટે સંગીત રેકૉર્ડ કરી લીધું છે. તેથી હવે ફક્ત શેડ્યુલનું પ્લાનિંગ બાકી છે. આ ફિલ્મમાં પ્રિયંકા, આલિયા અને કૅટરિના જ હશે એવું હું સ્પષ્ટ રીતે કહી ન શકું, પણ ફિલ્મ ચોક્કસ બનશે.’