ગુજરાતી છોકરાને હાર્વર્ડમાં લેક્ચર આપવાનું આમંત્રણ

12 February, 2019 09:25 AM IST  | 

ગુજરાતી છોકરાને હાર્વર્ડમાં લેક્ચર આપવાનું આમંત્રણ

ડૉ.જયંતીલાલ ગડા

અમેરિકામાં આવેલી હાર્વર્ડ યુનિવર્સિટી વિશ્વભરમાં એના ઉચ્ચતમ શિક્ષણ માટે લોકપ્રિય છે. આ યુનિવર્સિટીમાંથી દુનિયાને અનેક અગ્રણી નેતાઓ અને સમાજમાં ઊંચું સ્થાન મેળવનારા લોકો મળ્યા છે. આ યુનિવર્સિટીના સ્નાતકોમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા, ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ, હૉલીવુડની અભિનેત્રી નતાલિયા પોર્ટમૅન, અમેરિકાના બિઝનેસમૅન બિલ ગેટï્સ, નોબેલ પ્રાઇઝ મેળવનારા ૪૮ મહાનુભાવો, ૭૨ દેશોના વડાઓ અને પુલિત્ઝર ઇનામ મેળવનારા ૪૮ વિજેતાઓનો સમાવેશ થાય છે. આવી આ મહાન યુનિવર્સિટી તરફથી પેન ઇન્ડિયા લિમિટેડના નર્મિાતા-પ્રસ્તુતકર્તા ડૉ. જયંતીલાલ ગડાને હાર્વર્ડ ઇન્ડિયાની બે દિવસની કૉન્ફરન્સમાં વિદ્યાર્થીઓને સંબોધવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઘાટકોપરમાં આવેલી ગુરુકુળ હાઈ સ્કૂલમાં એસએસસી સુધીનો અભ્યાસ કરનારા ગુજરાતી છોકરાને હાર્વર્ડમાં લેક્ચર આપવાનું બહુમાન મળે એનાથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે. ડૉ. જયંતીલાલ ગડાને મળેલું આ બહુમાન એ ગુજરાતીઓનું બહુમાન છે. ‘પેન’ (પૉપ્યુલર એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક) એ ભારતની અગ્રણી નર્મિાણસંસ્થા છે અને ક્વૉલિટી સિનેમાને સાથ આપવામાં એ અગ્રેસર છે ત્યારે હાર્વર્ડના યુવાઓને સંબોધવા માટે તેમના કરતાં બીજી કઈ સારી વ્યક્તિ હોઈ શકે?

હાર્વર્ડમાં આવેલી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ અને હાર્વર્ડ કેનેડી સ્કૂલ દ્વારા આ કૉન્ફરન્સનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘ઇન્ડિયા ઍટ ઍન ઇન્ફ્લેક્શન પૉઇન્ટ’ છે. ૧૬ અને ૧૭ ફેબ્રુઆરીએ વીક-એન્ડમાં યોજાનારી આ કૉન્ફરન્સ વિદ્યાર્થીઓ દ્વારા યોજાતી કૉન્ફરન્સની ૧૬મી એડિશન છે.

આ કૉન્ફરન્સમાં દર વર્ષે રાજકારણીઓ, મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલા દિગ્ગજો, સરકારી અધિકારીઓ અને જાહેર ક્ષેત્રના બુદ્ધિશાળીઓને આમંત્રણ આપવામાં આવે છે. આ વર્ષની કૉન્ફરન્સમાં ધાર્મિક નેતા સદગુરુ જગ્ગી વાસુદેવ, રાજકીય સ્ટ્રૅટેજિસ્ટ અને જનતા દળ (યુ)ના નેતા પ્રશાંત કિશોર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ‘બાહુબલી’ના દિગ્દર્શક એસ. રાજામૌલીની સાથે જ જયંતીલાલ ગડા (પેન ઇન્ડિયા લિમિટેડ)ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ સિવાય આ વર્ષની કૉન્ફરન્સમાં અભિનેત્રી તનુશ્રી દત્તા, રાજકીય અને સામાજિક કાર્યકર્તા અને મજદૂર કિસાન શક્તિ સંગઠનનાં સ્થાપક અરુણા રૉય, રાજકારણમાં અગત્યની ભૂમિકા ભજવનારા અસદુદ્દીન ઓવૈસી, પીરામલ રિયલ્ટીના આનંદ પીરામલ, મીડિયા હાઉસ સાથે સંકળાયેલાં શ્રદ્ધા શર્મા, જાણીતા રાજકારણી સચિન પાઇલટ, અનુપમ ખેર, મહર્ષિ વૈષ્ણવ, ડૉ. અશોક શેઠ, જયંત પાટીલ, જયવીર શેરગિલ જેવાનો સમાવેશ થાય છે.

ડૉ. જયંતીલાલ ગડા (પેન ઇન્ડિયા લિમિટેડ)એ મનોરંજનના ક્ષત્રે ખૂબ જ લાંબી મજલ કાપી છે. કુર્લામાં પિતાની એક નાનકડી અનાજની દુકાનથી શરૂઆત કરનાર ડૉ. ગડાએ મનોરંજન ક્ષેત્રમાં વિડિયો લાઇબ્રેરીથી શરૂઆત કરી હતી અને અત્યારે તેઓ દેશની નંબર વન સૉફ્ટવેર ફિલ્મ લાઇબ્રેરી ધરાવે છે.

આ ઉપરાંત ફિલ્મનર્મિાણ અને વિતરણમાં તેઓ અગ્રેસર છે. ‘હેરાફેરી’, ‘વેલકમ’, ‘જબ વી મેટ’, ‘જોધા અકબર’ સાથે તેઓ સંકળાયેલા રહ્યા છે અને ‘કહાની’, ‘શિવાય’, ‘સિંઘ ઇઝ બ્લિંગ’ જેવી ફિલ્મોનું તેમણે નર્મિાણ કર્યું છે. હાલમાં જ રજૂ થયેલી ‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું નર્મિાણ પણ તેમણે જ કર્યું છે.

જાવેદ અખ્તર અને સતીશ કૌશિક જેવા બૉલીવુડના માંધાતા તેમની કંપનીના બોર્ડમાં સામેલ છે. એટલું જ નહીં, ડૉ. જયંતીલાલ ગડાએ ‘વાઉ’ આઇ લવ, બી ફિલિક્સ મૂવીઝ, એમ ટ્યુન્સ અને બૉલીવુડ ટાઇમ્સ જેવી ચૅનલો પણ લૉન્ચ કરી છે.

ઍકૅડેમી ઑફ યુનિવર્સિટી ગ્લોબલ પીસ દ્વારા તેમને ૨૦૧૮માં ડૉક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે અને તેમને ભારતમાંના ઍમ્બૅસૅડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ મહેશ માંજરેકરને હિન્દી કરતાં મરાઠી ફિલ્મો બનાવવી વધારે પસંદ છે

એક સામાન્ય કચ્છી વેપારીથી લઈને મનોરંજનની દુનિયામાં છવાઈ જનારા ડૉ. જયંતીલાલ ગડાને હાર્વર્ડ યુનિવર્સિટી તરફથી એક વક્તા તરીકે અપાયેલું આમંત્રણ તેમની અનેક સફળતાઓની યશકલગીમાં વધુ એકનો ઉમેરો કરે છે.

bollywood