જગદીપને મળેલા પ્રેમ વિશે જાવેદ જાફરીએ કહ્યું...એ તેમની ૭૦ વર્ષની મહેનત

15 July, 2020 08:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જગદીપને મળેલા પ્રેમ વિશે જાવેદ જાફરીએ કહ્યું...એ તેમની ૭૦ વર્ષની મહેનત

જાવેદ જાફરીએ તેના પિતા જગદીપને યાદ કરતાં તેમને લેજન્ડ કહ્યા છે. જગદીપે બાળકલાકાર તરીકે ‘અફસાના’ ફિલ્મ દ્વારા ઍક્ટિંગમાં એન્ટ્રી કરી હતી. જગદીપ વિશે ટ્વિટર પર જાવેદ જાફરીએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા પિતાના નિધન બાદ સૌએ વ્યક્ત કરેલી સંવેદના, પ્રેમ અને દુઃખ માટે આભાર. આટલો પ્રેમ, આટલું માન, આટલી પ્રાર્થના. આ જ તો કમાલ છે ૭૦ વર્ષની મહેનતની. તેમની ૧૦ વર્ષની ઉંમરથી માંડીને ૮૧ વર્ષ સુધી તેઓ ફિલ્મ માટે જીવ્યા. તેમણે ૭ વર્ષની ઉંમરમાં પિતાને ગુમાવ્યા હતા. ભાગલા બાદ તેમણે લાઇફમાં ઘણુંબધું ગુમાવી દીધું હતું. તેમણે ગરીબી જોઈ અને સાથે જ મુંબઈની ફુટપાથ પર દિવસો પસાર કર્યા હતાં. 8 વર્ષના બાળકને તેની મા સાથે મુંબઈ જેવા વિશાળ સમુદ્રમાં ધકેલવામાં આવ્યા હતા. તેમની પાસે બે પર્યાય હતા. કાં તો તરી જાય કાં તો ડૂબી જાય. તેમણે તરવાનું પસંદ કર્યું હતું. નાની ફૅક્ટરીઝમાં તેમણે કામ કર્યું. સાબુ વેચ્યા. માલિશવાળાની પાછળ તેલનું વાસણ લઈને માલિશ, તેલમાલિશ એમ કહેતા દોડતા હતા. ૧૦ વર્ષની ઉંમરમાં તેમનું કિસ્મત તેમને સિનેમા તરફ દોરી ગયું. તેમણે બી. આર. ચોપડાની ફિલ્મ ‘અફસાના’થી પોતાની કરીઅરની શરૂઆત કરી હતી (ફિલ્મને ૧૯૪૯માં શૂટ કરવામાં આવી હતી, પરંતુ ૧૯૫૧માં રિલીઝ થઈ હતી). એવું કહેવાય છે કે હજારો મિલોની સફર એક પગલું આગળ માંડવાથી શરૂ થાય છે, ઠીક એ રીતે જ તેમણે પાછળ ફરીને કદી પણ જોયું નહીં. તેમના માટે બિમલ રૉય, ગુરુ દત્ત, મેહબૂબ ખાન અને કે. આસિફ પિતા સમાન હતા. એક ચાઇલ્ડ ઍક્ટર તરીકે શરૂઆત કરનાર તેઓ એક સેન્સિટિવ કલાકારથી માંડીને અદ્દ્ભુત કૉમેડિયન પુરવાર થયા છે. તેઓ કદી પણ લોકોને મનોરંજન પૂરું પાડવામાં પાછળ નથી પડ્યા. બેસ્ટ ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને કો-સ્ટાર્સ જેવા કે દિલીપકુમાર, ગુરુ દત્ત, બલરાજ સાહની, કિશોરકુમાર, સુનીલ દત્ત, અશોકકુમાર, મેહમૂદ, હેલન, રાજ કપૂર, દેવ આનંદ, શમ્મી કપૂર, ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, શત્રુઘ્ન સિંહા, રેખા, રાજેશ ખન્ના, વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, રિશી કપૂર, નસીરુદ્દીન શાહ, શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન અને અનેક કલાકારોએ ભરપૂર પ્રેમ અને પ્રશંસા કરી છે. હાલમાં તો લેજન્ડ શબ્દ કોઈના માટે પણ ઉપયોગમાં કરવામાં આવે છે, પરંતુ તેમના માટે તો આ શબ્દ બરાબર બંધ બેસે છે. મારા પિતાએ મને જીવનનું મૂલ્ય સમજાવ્યું છે, ગરીબીના પાઠ ભણાવ્યા છે, સમર્પણની અગત્ય અને કળા શીખવાડી. સાથે જ અતિશય સકારાત્મક અને પ્રેરણાદાયક સ્ટોરીઝ સંભળાવી. હંમેશાં હસતો ચહેરો, પ્રેરણાદાયક શબ્દો બધા માટે કહેતા હતા. મને તેઓ એ વાત હંમેશાં યાદ અપાવતા હતા કે વ્યક્તિની સફળતા તે શું છે એના પર આધાર રાખે છે નહીં કે તેની પાસે શું છે એના પર. તેને કેટલા લોકો જાણે છે એના પર છે નહીં કે તે કોને જાણે છે એના પર. અદ્ભુત માણસ અને અદ્ભુત જર્ની. હિન્દુસ્તાનના લોકોને બે વસ્તુઓ પર ખૂબ પ્રેમ છે. એક તો મા અને બીજું છે સિનેમા. મારા પિતાને પણ આ બે પર ખૂબ પ્રેમ હતો. હું તેમની એક વાતથી મારી વાતને વિરામ આપવા માગું છું જે તેમની મા તેમને કહેતી હતી, ‘વો મંઝિલ ક્યા જો આસાની સે તય હો. વો રાહી ક્યા જો થક કર બૈઠ જાએં. પરંતુ અફસોસ ઝિંદગી ક્યારેક-ક્યારેક થાકીહારીને બેસવા પર વિવશ કરી દે છે. હૌસલા તો બુલંદ હોય છે, પરંતુ શરીર સાથ નથી આપતું. એ વ્યક્તિ મારા પિતા અને અલગ-અલગ અવતારથી તેમને વિશ્વ આખું ઓળખતું હતું. સલામ. તમારું નામ સૂરમા ભોપાલી એમ જ નહોતું.’

entertainment news bollywood bollywood news javed jaffrey