નેપોટિઝમને લઈને જાવેદ અખ્તરે કહ્યું...

27 July, 2020 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેપોટિઝમને લઈને જાવેદ અખ્તરે કહ્યું...

બૉલીવુડમાં નેપોટિઝમને લઈને ચાલી રહેલા વિવાદ પર જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે જો પિતા દીકરાની મદદ કરે તો એ નેપોટિઝમ કહેવાય તો દરેક ઇન્ડસ્ટ્રિયલિસ્ટ નેપોટિસ્ટ છે. આ વિશે જાવેદ અખ્તરની સાથે તેમની દીકરી ઝોયા અખ્તર અને દીકરા ફરાહન અખ્તરે પણ પોતાના વિચાર માંડ્યા હતા. એ વિશે જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘આ સાચી વાત છે કે જે ફિલ્મી ફૅમિલીમાં જન્મે તો તે આ ઇન્ડસ્ટ્રીમાં આપોઆપ અંદર આવી જાય છે. ઇન્ડસ્ટ્રીમાં કોઈ ધાંધલીને સ્થાન નથી, કારણ કે છેવટે વોટ તો દર્શકો પાસેથી જ આવે છે. કરણ જોહર આજે જે સ્થાને છે એ તેના પિતા યશ જોહરને કારણે નથી. તેના પિતાએ ભલે તેને બ્રેક આપ્યો હોય, પરંતુ તે પોતાની ટૅલન્ટને કારણે અહીં છે. જો એક પિતા તેના દીકરાને તક આપે તો એ નેપોટિઝમ કહેવાતું હોય તો દરેક ઇન્ડસ્ટ્રિયલિસ્ટ નેપોટિસ્ટ છે.’

તો બીજી તરફ પોતાની સ્ટોરી જણાવતાં ઝોયા અખ્તરે કહ્યું હતું કે ‘ફિલ્મ બનાવવા માટે મને ૭ વર્ષનો સમય લાગ્યો હતો. મારો જન્મ તો ઇન્ડસ્ટ્રીના ખોળે જ થયો હતો. રીમા કાગતી અને અનુરાગ કશ્યપ જેવા બહારથી આવેલા ફિલ્મમેકર્સે તો મારી પહેલાં જ ફિલ્મો બનાવી હતી. એથી દરેકની જર્ની અલગ હોય છે. મને એ લાભ મળ્યો કે મારે રહેવા માટે ઘર છે અને ફરહાન કામ કરતો હોવાથી બિલ્સ તે ચૂકવતો હતો. જોકે મારી અટકને કારણે કોઈ મારી ફિલ્મ કરવા તૈયાર નહોતા. લાગવગ ખૂબ મોટી વસ્તુ છે, પરંતુ એનાથી ફિલ્મ નથી બનતી.’

આ મુદ્દે ફરહાન અખ્તરે પણ કહ્યું હતું કે ‘હું કોઈને એ નથી જણાવવા માગતો કે હું કોનો દીકરો છું. મારું એટલું જ કહેવું છે કે તેઓ મારી સ્ક્રિપ્ટ વાંચે, પસંદ કરે અને કામ કરે. એ એનર્જીનો જો તમે દિલથી ઉપયોગ કરો અને એનાથી તમે એક્સાઇટ થાઓ તો તમને સારા ફિલ્મમેકિંગનો અનુભવ મળી શકે છે. જોકે મારું માનવું છે કે તમને લાગવગ મળે છે. એ ત્યાં સુધી જ પૂરતું હોય છે. આમ છતાં તમારે તમારી જાતને તો પુરવાર કરવી જ રહી.’

entertainment news bollywood bollywood news bollywood gossips javed akhtar zoya akhtar farhan akhtar