23 August, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જસવિંદર ભલ્લા
જાણીતા કૉમેડિયન અને પંજાબી સિનેમાના દિગ્ગજ કલાકાર જસવિંદર ભલ્લાનું મોત (Jaswinder Bhalla Death) થયું છે. આજે સવારે મોહાલીના ફોર્ટીસ હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. ૬૫ વર્ષની ઉંમરે અભિનેતાએ દુનિયાને અલવિદા કરી છે. જસવિંદર ભલ્લાએ તેમની અનોખી હાસ્ય શૈલીના પ્ર્તોપે પંજાબી મનોરંજન જગતમાં અનોખી ચાપ છોડી હતી અને લોકોના હ્રદયમાં સ્થાન મેળવ્યું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે અભિનેતા છેલ્લા એક મહિનાથી બીમાર જ રહેતા હતા. વધારે તબિયત લથડતા તેઓને ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે તેઓનું નિધન (Jaswinder Bhalla Death) થયું છે. જોકે, તેમના નિધનનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આવતીકાલે મોહાલીના સ્મશાનગૃહમાં તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર આવતીકાલે બપોરે બાર વાગ્યે બાલોંગી સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
જસવિંદર ભલ્લા પંજાબી સિનેમાનો એક એવો ચહેરો હતા કે જેમણે કૉમેડીને નવી ઊંચાઈ બક્ષી હતી. કૉમિક ટાઇમિંગ, સાહજિકતા અને વ્યંગાત્મક ડાયલોગને કારણે તેઓ આબાલવૃદ્ધ સૌને મંત્રમુગ્ધ કરી નાખતા હતા. તેઓ જે પણ પાત્ર ભજવતા તે ચાહકોના દિલમાં જ વસી જતું. અભિનેતાનો જન્મ ૪ મે ૧૯૬૦ના રોજ લુધિયાણાના દોરાહામાં થયો હતો. તેઓએ પ્રોફેસર તરીકે પણ કામ કર્યું હતું. જસવિંદર ભલ્લા પંજાબ કૃષિ યુનિવર્સિટી (પીએયુ)માં પ્રોફેસર પણ રહી ચુક્યા છે. તેઓ પી.એ.યુ.ના બ્રાન્ડ એમ્બેસેડર પણ બન્યા હતા. પોતાના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીની ટેકનોલોજી અને સાહિત્યને અનેકો ખેડૂતો સુધી પહોંચાડવામાં તેમનું યોગદાન નોંધપાત્ર હતું. તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન જે કામ કર્યું તેમાં ખેડૂત સમુદાય પર જ ફોકસ કર્યું હતું. પછી વર્ષ ૧૯૮૮માં `છનકાટા ૮૮` સાથે હાસ્ય કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને `દુલ્લા ભટ્ટી` ફિલ્મથી અભિનેતા તરીકે પગરણ માંડ્યા હતા. તેમણે `ગડડી ચલતી હૈ છલાંગા માર કે`,` કેરી ઓન જટ્ટ`, `જિંદ જાન`, `બેન્ડ બાજે` જેવી અનેક ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનય અને કોમેડીથી લોકોને હસાવ્યા હતા. ખાસ તો તેઓએ "છનકાટા" નામની કોમેડી સિરીઝમાં કામ કર્યું હતું તેનાથી ઘણી જ લોકપ્રિયતા મેળવી હતી. વર્ષ ૧૯૯૦ના દાયકામાં પંજાબમાં ઘરેઘરે તેમનું માં જાણીતું થઇ ગયું હતું. તેમના નિધનના સમાચારથી તેઓના ચાહકો અને સાથી કલાકારોને આંચકો લાગ્યો છે. આ દિગ્ગજ હાસ્ય કલાકારના નિધનથી અનેક લોકો શોકમગ્ન થયા છે. તેમના નિધન (Jaswinder Bhalla Death)થી પંજાબી મનોરંજન જગતમાં બહુ મોટી ખોટ ઊભી થઇ છે. આવતીકાલે તેમનાં અંતિમ સંસ્કારમાં મોટા પ્રમાણમાં ચાહકો અને સાથી કલાકારોની ભીડ ઉમટશે.
જસવિંદર ભલ્લાના નજીકના મિત્ર બાલ મુકુંદ શર્માએ જણાવ્યું હતું કે આ નુકસાનની ભરપાઈ ક્યારેય નહીં થઇ શકે. અમે ચાલીસ વર્ષોથી જોડાયેલા હતા. તેમણે મને ભાઈનો દરજ્જો આપ્યો હતો. આજે પંજાબી ફિલ્મ ઉદ્યોગના વડા કલાકારનું નિધન (Jaswinder Bhalla Death) થયું છે.