જે વાત સપનાંઓમાં વિચારેલી હોય એ હકીકતમાં બને એનાથી વધુ શું જોઈએ

14 February, 2026 05:40 PM IST  |  Mumbai | Jigisha Jain

નૅશનલ અવૉર્ડ અને શાહરુખ ખાનના હાથે આઇફા અવૉર્ડ મેળવ્યા પછી જાનકી બોડીવાલા હાલમાં રાની મુખરજીની ફિલ્મ મર્દાની 3માં પોલીસ-આ‌ૅફિસરનો રોલ નિભાવતી જોવા મળી છે.

જાનકી બોડીવાલાએ મર્દાની 3માં પોલીસ આ‌ૅફિસરનો રોલ ભજવ્યો છે

નૅશનલ અવૉર્ડ અને શાહરુખ ખાનના હાથે આઇફા અવૉર્ડ મેળવ્યા પછી જાનકી બોડીવાલા હાલમાં રાની મુખરજીની ફિલ્મ મર્દાની 3માં પોલીસ-આ‌ૅફિસરનો રોલ નિભાવતી જોવા મળી છે. ડેન્ટિસ્ટનું ભણતર અધૂરું મૂકીને ૨૦૧૫માં ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસથી ઍક્ટિંગના ફીલ્ડમાં આવેલી ૩૦ વર્ષની જાનકી અત્યારે દરેક સ્તરે સફળતાની સીડીઓ ચડી રહી છે

મુંબઈ કોઈ કામસર આવેલી ૩૦ વર્ષની ગુજરાતી ઍક્ટ્રેસ જાનકી બોડીવાલાને કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની ઑફિસથી ફોન આવ્યો કે તમે મળવા આવશો? એક નૉર્મલ મીટિંગ પછી જાનકી અમદાવાદ જવા નીકળી ગઈ અને ફોન આવ્યો કે તમારે તાત્કલિક કાલે ઑડિશન આપવા આવવું પડશે. હજી અમદાવાદમાં એન્ટર થયેલી જાનકી તરત બીજા દિવસે મુંબઈ પાછી ફરી. એક ઑડિશન આપ્યું અને સાંજે ફોન આવી ગયો કે તમે સિલેક્ટ થઈ ગયાં છો. અને આ રીતે તે યશરાજ ફિલ્મ્સની સફળ ફ્રૅન્ચાઇઝી ‘મર્દાની’માં પ્રવેશ કરી શકી. હાલમાં રિલીઝ થયેલી રાની મુખરજીની ફિલ્મ ‘મર્દાની 3’માં એક નાની ઉંમરની લેડી પોલીસ-ઑફિસર ફાતેમા અનવરનું પાત્ર જાનકીએ નિભાવ્યું છે. એના વિશે વાત કરતાં જાનકી કહે છે, ‘આંખના પલકારામાં એવું કંઈક બની જતું હોય છે જે તમે વિચાર્યું પણ નથી હોતું. જીવનના આ તબક્કે તો ખરેખર જ એવું છે કે જે કંઈ પણ બની રહ્યું છે એ દરેક વસ્તુ એવી જ છે જે સહજ રીતે બસ બની જ રહી છે. મને કોઈ અંદાજ નથી કે આ બધું શું થઈ રહ્યું છે. યશરાજની ફિલ્મો જોઈને હું મોટી થઈ છું. લગભગ દરેક ફિલ્મ મેં અઢળક વાર જોઈ છે. એમાં ‘ચાંદની’ મારી ફેવરિટ છે. DDLJ જોઈને આખી જનરેશન પ્રેમ કરતાં શીખી છે. પ્રેમ શું છે અને કેટલો મહત્ત્વનો છે એ બધું આ ફિલ્મોએ જ તો આપણને સમજાવ્યું છે. નાની હતી ત્યારે મને જરાય એવું નહોતું કે હું ઍક્ટ્રેસ બનીશ, પણ આ ફિલ્મોએ જ મને સબકૉન્શિયસલી આ તરફ ખેંચી છે. કોઈ પણ ઍક્ટ્રેસનું અલ્ટિમેટ ડ્રીમ હોય કે તે યશરાજ હિરોઇન બને. એ શિફૉનની લહેરાતી સાડીઓ, બર્ફીલા પહાડો દરેકની ફૅન્ટન્સીનો એક ભાગ છે. જોકે આજે લાગે છે કે સારું છે કે મને ‘મર્દાની’ જેવી ફ્રૅન્ચાઇઝીમાં કામ કરવા મળ્યું જે સમાજના રિયલ ઇશ્યુઝ પર વાત કરી રહી છે, જે સમાજને કંઈક સંદેશ આપી રહી છે. હું પ્રાઉડ્લી કહીશ કે હા, હું યશરાજની હિરોઇન છું; શિફૉન સાડીવાળી નહીં, વર્દીવાળી. જ્યારે એ વર્દી પહેરી ત્યારે એની મેળે ટટ્ટાર થઈ જવાયું હતું. એમાં કંઈક તો એવી વાત છે.’
 
બેસ્ટ મોમેન્ટ 
જાનકી બોડીવાલાને તેની ૨૦૨૩ની ફિલ્મ ‘વશ’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ મળ્યો અને એની સાથે-સાથે ૨૦૨૫માં ‘વશ’ ફિલ્મની હિન્દી રીમેક માટે પણ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર- ફીમેલનો આઇફા અવૉર્ડ મળ્યો. આ અવૉર્ડ તેને શાહરુખ ખાનના હસ્તે મળ્યો હતો. આ ક્ષણ તેના જીવનની અતિ યાદગાર ક્ષણોમાંની એક ગણી શકાય. એ અનુભવની વાત કરતાં જાનકી કહે છે, ‘મારો સ્ટાફ, મારા કો-ઍક્ટર્સ, મારી આજુબાજુની આખી દુનિયા ઇચ્છતી હતી કે આ અવૉર્ડ મળે. જાણે કે તેમણે મારા માટે આ મૅનિફેસ્ટ કરેલું. એ બધા મને પૂછતા હતા કે સ્પીચ રેડી કરી? અને હું તેમના આ પ્રશ્નને હસી કાઢતી. હું તો આ જગ્યાએ મજા કરવા ગયેલી. મોટા-મોટા લોકો જેમણે આટલું કામ કર્યું છે એ બધાની ઝલક મળે એથી વિશેષ શું? પણ ત્યાં સ્ટેજ પરથી નામ અનાઉન્સ થયું. એક તો મને અવૉર્ડ મળી રહ્યો છે અને બીજું એ કે એ પણ શાહરુખ ખાનના હાથે મળી રહ્યો છે. એ બન્ને હકીકતો એક જ ક્ષણમાં પચાવવી સરળ નહોતી. હું સ્ટેજ પર જાઉં એ પહેલા પગથિયા પર જ એક સરસમજાનો (શાહરુખ ખાનનો) હાથ આવ્યો. એને પકડીને હું ઉપર ગઈ. બધાને થૅન્ક યુ કહ્યું અને મેં બોલી નાખ્યું કે હું ખૂબ જ નર્વસ છું. મને નૉર્મલ ફીલ કરાવવા કિંગ ખાન મારી પાસે આવ્યા. છેક સુધી નીચે મૂકવા આવ્યા. તેમણે મને એક પિતાની જેમ પ્રેમથી કપાળ પર કિસ કરી. હું જ્યારે ઘરે ગઈ ત્યારે એ વિડિયો જોતી વખતે આઇ હૅડ માય ગર્લી મોમેન્ટ. નાની હતી ત્યારે મને યાદ છે હું ‘કલ હો ના હો’ અને ‘વીર ઝારા’નાં ગીતો પર ઘરે ડાન્સ કરતી. જે સપનાંઓમાં વિચારેલું હોય એ હકીકતમાં બને તો એનાથી વધુ શું જોઈએ?’

કરીઅર 
જાનકી બોડીવાલાએ ૨૦૧૫માં ‘છેલ્લો દિવસ’થી ગુજરાતી ફિલ્મોમાં પદાર્પણ કર્યું. ત્યાર બાદ તેણે ‘ઓ ત્તારી’, ‘તંબૂરો’, ‘છૂટી જશે છક્કા’, ‘તારી માટે વન્સ મોર’, ‘બહુ ના વિચાર’, ‘નાડી દોષ’, ‘તું રાજી રે’, ‘વશ’, ‘ત્રિશા ઑન ધ રૉક્સ’, ‘વશ લેવલ 2’ અને ‘ચણિયા ટોળી’ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘વશ’ની જ હિન્દી રીમેક બની હતી જેનું નામ હતું ‘શૈતાન’. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા એકમાત્ર ઍક્ટર હતી જે ગુજરાતી ફિલ્મમાંથી એ જ કિરદાર માટે પસંદ થયેલી. ‘વશ લેવલ 2’ પણ ગુજરાતી અને હિન્દી બન્ને ભાષામાં રજૂ થઈ હતી જેમાં જાનકીના લુકનાં ઘણાં વખાણ થયેલાં. જાનકીએ પાત્રની ડિમાન્ડ મુજબ વાળ વગરનો ડેન્જર લુક અપનાવેલો, જે હિંમત બદલ લોકોએ તેનાં ઘણાં વખાણ કર્યાં હતાં. હાલમાં રિલીઝ થયેલી ‘મર્દાની 3’માં લોકો માટે તે સરપ્રાઇઝ પૅકેજ બનીને સામે અાવી હતી, કારણ કે ટ્રેલરમાં ખબર પડતી નથી કે જાનકી બોડીવાલા આ ફિલ્મમાં છે. જોકે ફિલ્મમાં તેનો ઘણો મહત્ત્વનો રોલ છે.

બાળપણ 
મૂળ અમદાવાદની જાનકી નાનપણથી ખૂબ જ ડાહી અને આજ્ઞાકારી હતી. ભણવામાં હોશિયાર હતી અને તોફાન જેવું કંઈ તેણે કદી કર્યું નથી. તેના પપ્પા રેવન્યુ લૉયર હતા. તેમને ફિલ્મો જોવાનો ખૂબ શોખ એટલે જાનકીએ પણ નાનપણથી ખૂબ ફિલ્મો જોઈ, પણ એમાં કામ કરી શકાય એવું કશું મગજમાં નહોતું. તે પોતાના પિતા પાસેથી ઘણું શીખી. એ વાત કરતાં જાનકી કહે છે, ‘મારા પપ્પાનું કામ ફ્રીલાન્સ હતું. જ્યારે તેમની કમાણી થતી ત્યારે તે ઘરે રસમલાઈ, સમોસા, કચોરી જેવું કંઈ-કંઈ લઈને આવતા. એ જોઈને હું સમજી જતી કે આજે પપ્પાને ફાયદો થયો છે. એ જ આદત મેં પણ કેળવી છે. કોઈ સારી ખબર હોય કે કંઈ મેળવ્યું હોય તો ઘરે કંઈક સરસ ખાવા-ખવડાવવાનું મને પણ ગમે છે. હું ખાસ ફૂડી નથી પણ શનિ-રવિમાં ક્યારેક મન થાય કે કંઈક સારું ખાઈએ.’

ભણતર 
જાનકી સાયન્સ સ્ટુડન્ટ હતી. તેણે ડેન્ટલ કૉલેજમાં ઍડ્‍મિશન લીધું હતું. શરૂઆતના દોઢ વર્ષમાં તેણે એ ભણતર છોડી દીધું. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘હું બિલકુલ ખુશ નહોતી. મારાં માતા-પિતા એ જોઈ શકતાં હતાં એટલે તેમણે ક્યારેય એ સવાલ ન કર્યો કે કેમ આ છોડી દીધું? ઊલટું મારા આવા નિર્ણયમાં પણ તે મારી સાથે જ હતાં. મેં જ્યારે પહેલું ઑડિશન આપ્યું અને કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં હું સિલેક્ટ થઈ ત્યારે પપ્પાએ કહ્યું કે આ સારા માણસો છે, કંઈ વાંધો નથી; બધું જ ટ્રાય કરવાનું અને ગમે, જે કામમાં મન લાગે એ કરવાનું. ‘છેલ્લો દિવસ’ ફિલ્મમાં મેં મારી કૉલેજ-લાઇફ માણી છે. મને સેટ પર એટલી મજા આવી. ત્યારે મને લાગ્યું હતું કે આ કામ કરી શકાશે.’

પ્રોસેસ 
જાનકીએ ઍક્ટિંગની કોઈ તાલીમ લીધી નથી પણ પોતાની પ્રોસેસ વિશે વાત કરતાં તે કહે છે, ‘હું હંમેશાં મારા ડિરેક્ટર અને કો-ઍક્ટર્સ પાસેથી શીખી છું. હું આ ફીલ્ડમાં છું કારણ કે મને KD (કૃષ્ણદેવ યાજ્ઞિક) સર જેવા ડિરેક્ટર મળ્યા. ‘વશ’નાં હિતુ સર (કનોડિયા), હિતેન સર (કુમાર) અને નીલમબહેન (પંચાલ) પાસેથી ઘણું શીખી. એ જ રીતે ‘શૈતાન’માં અજય સર (દેવગન), માધવન સર અને જ્યોતિકા મૅડમ પાસેથી પણ અઢળક શીખી છું. આ ફિલ્મના ડિરેક્ટર વિકાસ બહલ પાસેથી પણ હું ઘણું શીખી છું. એક નવા નિશાળિયાની જેમ હું આ સેટ પર બેઠી હોઉં. આ બધાને કામ કરતાં જોતી હોઉં અને તેમને જોઈ-જોઈને શીખતી હોઉં. ‘મર્દાની’માં પણ એવું જ થયું હતું. આ મારી પહેલી ઍક્શન મૂવી છે જેમાં પોલીસ-ઑફિસર હોવાને કારણે મારે ઘણા સ્ટન્ટ કરવાના હતા, પણ મેં ક્યારેય આ પ્રકારની ઍક્શન કરી જ નહોતી. બંદૂક મને ચલાવતાં આવડતી નહોતી એ શીખવી પડી. શૂટિંગની બંદૂક નકલી જ હોય પણ એનો અવાજ એટલો જોરદાર આવે કે ડરી જવાય. મને લાગતું હતું કે આ ડર ક્યાંક ભૂલથી ચહેરા પર ન આવી જાય. હું પ્રયત્ન કરી રહી હતી કે કોઈ રીતે આ સીન હું વ્યવસ્થિત કરી શકું. ત્યાં બીજી તરફ જોઉં છું તો રાની મૅમ (મુખરજી) જે આત્મવિશ્વાસ સાથે બંદૂક ચલાવતાં હતાં એ જોઈને હું તેમનાથી ખૂબ પ્રભાવિત થઈ. તે કઈ રીતે વગર પ્રયત્ને આટલું સહજ રીતે કામ કરે છે એ મેં ખાસ ઑબ્ઝર્વ કર્યું. મારું માનવું છે કે જે કામ તમને ગમે છે એ બસ, કરતા રહો. કોઈ પણ જાતની અપેક્ષા વગર તમે કામ કરતા રહેશો તો એક દિવસ સફળતા જરૂર મળશે.’

જલદી ફાઇવ
 શેનો ડર લાગે? : મને હાઇટનો ડર લાગે છે. એ ફોબિયા થોડો ઘૂસી ગયો છે. એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો પણ હજી થોડો રહી ગયો છે, દૂર થયો નથી. 
 અફસોસ : મને અફસોસ છે કે આજે જે બધું થઈ રહ્યું છે એ થોડુંક જીવનમાં જલદી થઈ ગયું હોત તો ખૂબ સારું હોત. કાશ, કોવિડ આવ્યો ન હોત. એ બે-ચાર વર્ષ જે ફિલ્મો અટકી એને લીધે ગ્રોથ અટક્યો. આજે જે સફળતા મળતી રહી છે એ થોડી વહેલી મળી ગઈ હોત. થોડું વહેલું નામ થઈ ગયું હોત.
 જો ઍક્ટર ન બની હોત તો? : તો શું? વકીલ બની હોત. મારા પપ્પાની જેમ. 
 શોખ : મને સ્પોર્ટ્સમાં ખાસ્સો રસ છે. ટાઇમ મળે ત્યારે હું ટેબલ-ટેનિસ રમું છું. 
 લગ્ન ક્યારે? : લગ્ન ચોક્કસ કરીશ. એકાદ વર્ષમાં કરી લઈશ.

janki bodiwala bollywood buzz bollywood news dhollywood news entertainment news