શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ પાનમસાલાની જાહેરાતમાં કામ કરીને ફસાયા

12 September, 2025 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જયપુર કન્ઝ્‍યુમર ફોરમે કંપની અને જાહેરાત કરનારા કલાકારોને નોટિસ ફટકારી

શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ પાનમસાલાની જાહેરાતમાં

પાનમસાલા અને ગુટકાની જાહેરાતો કરતા મોટા સ્ટાર્સ ઘણી વખત વિવાદમાં ફસાઈ જાય છે. હાલમાં શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ લાંબા સમયથી વિમલ બ્રૅન્ડની જાહેરાતોમાં દેખાઈ રહ્યા છે. હવે જયપુર કન્ઝ્‍યુમર ફોરમે વિમલ બ્રૅન્ડના ઉત્પાદક અને આ ત્રણેય બૉલીવુડ સ્ટાર્સને ગેરમાર્ગે દોરનારી જાહેરાત કરવા બદલ નોટિસ ફટકારી છે. આ નોટિસ ફટકારતાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે જ્યારે બજારમાં કેસર પાંચ લાખ રૂપિયે કિલો છે તો આ પાનમસાલાના દરેક દાણામાં કેસરનો સ્વાદ કઈ રીતે મળી શકે?

અસલમાં આખો વિવાદ આ જાહેરાતમાં વપરાયેલી પંચલાઇનને લઈને શરૂ થયો છે.  જાહેરાતને ભ્રામક અને ગુમરાહ કરનારી ગણાવવામાં આવી રહી છે. એની પંચલાઇન છે, ‘દાને દાને મેં કેસર કા દમ.’ આ જાહેરાત પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે કે જ્યારે બજારમાં કેસર પાંચ લાખ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું છે તો આ પાંચ રૂપિયાના પાનમસાલાના નાના પાઉચમાં દરેક દાણામાં અસલ કેસરનો સ્વાદ કઈ રીતે આવી શકે?

આ ફરિયાદ કરનાર ફરિયાદીએ માગણી કરી છે કે આ જાહેરાતમાં કામ કરનારા બધા સ્ટાર્સ પાસેથી તેમના રાષ્ટ્રીય પુરસ્કારો છીનવી લેવામાં આવે. એ ઉપરાંત પાનમસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે અને કંપનીને ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે.

Shah Rukh Khan ajay devgn tiger shroff jaipur consumer court entertainment news bollywood bollywood news