19 June, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયદીપ અહલાવત
જયદીપ અહલાવત અને તેની પત્ની જ્યોતિ હૂડા મુંબઈમાં લક્ઝરી રિયલ એસ્ટેટમાં નૉનસ્ટૉપ રોકાણ કરવાના મૂડમાં હોય એમ લાગે છે. આ દંપતીએ તાજેતરમાં અંધેરી-વેસ્ટમાં આવેલા પૂર્ણા અપાર્ટમેન્ટમાં બીજો હાઈ વૅલ્યુ ફ્લૅટ ખરીદ્યો છે.
ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (IGR)ના પ્રૉપર્ટી દસ્તાવેજો અનુસાર આ સોદો જૂન ૨૦૨૫માં રજિસ્ટર થયો હતો અને એની કિંમત ૧૦ કરોડ રૂપિયા છે. જયદીપે આ રેસિડેન્શ્યલ બિલ્ડિંગમાં છેલ્લા બે મહિનામાં બીજી પ્રૉપર્ટી ખરીદી છે. તેણે આ જ અપાર્ટમેન્ટમાં મે મહિનામાં આટલી જ કિંમતમાં આ જ સાઇઝનો ફ્લૅટ ખરીદ્યો હતો. જોકે બન્ને ફ્લૅટ અલગ-અલગ ફ્લોર પર આવેલા છે.
જયદીપે ખરીદેલો નવો ફ્લૅટ ૧૯૫૦ સ્ક્વેર ફુટનો કાર્પેટ એરિયા અને ૨૩૪૧ સ્ક્વેર ફુટનો બિલ્ટ-અપ એરિયા ધરાવે છે. આ સોદામાં બે અલાયદી કાર-પાર્કિંગ સ્પેસનો પણ સમાવેશ થાય છે. આ ડીલ માટે ૬૦ લાખ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયાનો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવામાં આવ્યાં છે. આમ જયદીપ અને જ્યોતિએ માત્ર બે મહિનામાં મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં કુલ ૨૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.