બૉબી દેઓલ સાથે ગાળેલો સમય મારી જિંદગીનો જાદુઈ સમય હતો

29 May, 2026 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૂની રિલેશનશિપનો સ્વીકાર કરીને પૂજા ભટ્ટે કહ્યું કે બ્રેકઅપ પાછળનાં કારણોની ચર્ચા કરીને એનું અપમાન કરવા નથી માગતી

પૂજા ભટ્ટ

પોતાના સમયની ચર્ચાસ્પદ હિરોઇન પૂજા ભટ્ટે હાલમાં અભિનેતા બૉબી દેઓલ સાથેના પોતાના જૂના સંબંધોને લઈને ખુલ્લેઆમ વાત કરી છે. ઘણાં વર્ષો બાદ પહેલી વાર પૂજાએ પોતાના અને બૉબીના સંબંધોને યાદ કરતાં કહ્યું કે તે તેમની જિંદગીનો ‘જાદુઈ સમય’ હતો. જોકે પૂજાએ સ્પષ્ટ કર્યું કે આજે તે પોતાના બ્રેકઅપ પાછળનાં કારણો વિશે વાત કરવા માગતી નથી, કારણ કે સંબંધોનાં ગૌરવ અને મર્યાદા જાળવી રાખવાં ખૂબ જરૂરી છે.

પૂજા ભટ્ટે પોતાની કરીઅરની અને અંગત જીવનની વાત કરતાં કહ્યું કે ‘ડૅડી’થી ડેબ્યુ કર્યા બાદ તેણે ‘આશિકી’માં કામ કરવાની ના પાડી દીધી હતી કારણ કે એ સમયનો તેનો બૉયફ્રેન્ડ તેની ફિલ્મી કરીઅરને લઈને ખાસ સપોર્ટિવ નહોતો. આ પછી જ્યારે તેને સવાલ કરવામાં આવ્યો કે શું તે બૉયફ્રેન્ડ બૉબી દેઓલ હતો ત્યારે પૂજાએ સ્પષ્ટતા કરી કે તે બૉબીને આ ઘટનાના ઘણા સમય પછી મળી હતી. આ પછી બૉબી સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં પૂજાએ કહ્યું કે, ‘એ વાત સાચી છે કે હું બૉબીના પ્રેમમાં હતી. એ મારી જિંદગીનો ખૂબ સુંદર અને જાદુઈ સમય હતો. બૉબી એક અત્યંત ખાસ વ્યક્તિ હતો અને તેની સાથે સમય પસાર કરવો અદ્ભુત અનુભવ હતો. જોકે સમયની સાથે અમે બન્ને અલગ દિશામાં આગળ વધી ગયાં હતાં. આજે કોઈ જૂના સંબંધની વિગતો વિશે જાહેરમાં વાત કરવી યોગ્ય નથી, ખાસ કરીને ત્યારે જ્યારે સામેવાળો માણસ પોતાના લગ્નજીવનમાં ખુશ હોય, બે બાળકોનો પિતા હોય અને પોતાની કરીઅરમાં આગળ વધી ગયો હોય. કોઈ વ્યક્તિ સાથેના સંબંધના વિચ્છેદનાં કારણોની ચર્ચા કરીને એનું અપમાન કરવા નથી માગતી. જ્યાં સુધી સંબંધ ચાલ્યો, સુંદર રીતે ચાલ્યો. બસ એટલું જ પૂરતું છે. આજે ડિગ્નિટી અને ગ્રેસ જાળવી રાખવી ખૂબ જરૂરી છે... માત્ર પોતાની જિંદગી માટે નહીં, પરંતુ એ લોકો માટે પણ જે ક્યારેક તમારી જિંદગીનો ભાગ રહ્યા હોય અને જે લોકો હવે તેમની જિંદગીમાં છે.’

pooja bhatt bobby deol relationships entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz