રેખાની અગસ્ત્ય નંદાના પોસ્ટરને કિસ, બૉબી દેઓલે પહેર્યું દિવંગત પિતા ધર્મેન્દ્રનું શર્ટ

31 December, 2025 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇક્કીસના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં અનેક ઇમોશનલ ક્ષણો સર્જાઈ

તસવીર સૌજન્યઃ એજન્સી

સની દેઓલ અને બૉબી દેઓલ દ્વારા તેમના દિવંગત પિતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ સોમવારે અંધેરીના પીવીઆર-આઇકૉન થિયેટરમાં યોજવામાં આવ્યું હતું. આમાં બૉલીવુડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી અને એમાં અનેક ભાવુક પળો જોવા મળી હતી. આ ફિલ્મ પહેલી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે અને એમાં અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા અને સિમર ભાટિયા લીડ રોલ કરી રહ્યાં છે. 

 બૉબી દેઓલે પિતા ધર્મેન્દ્રનો શર્ટ પહેરીને સહુનું ધ્યાન ખેચ્યું હતું

રેખાનો આદર અને પ્રેમ

બનારસી સાડી પહેરીને ઇવેન્ટમાં આવેલી રેખાએ ધર્મેન્દ્રના પોસ્ટર સામે હાથ જોડીને નમન કર્યું અને આ રીતે આદર વ્યક્ત કર્યો. આ પછી તેણે અમિતાભના દોહિત્ર અગસ્ત્ય નંદાના પોસ્ટરને ફ્લાઇંગ કિસ આપીને આશીર્વાદ આપ્યા. રેખાના આ વર્તનમાં તેનો ધર્મેન્દ્ર પ્રત્યેનો આદર અને અગસ્ત્ય પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ થયો. આ ઇવેન્ટમાં અમિતાભ બચ્ચન નહોતા પણ અગસ્ત્યની મમ્મી શ્વેતા બચ્ચન નંદા હાજર રહી હતી. 

પરિવારની શ્રદ્ધાંજલિ

‘ઇક્કીસ’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં બૉબી દેઓલ પત્ની તાન્યા દેઓલ અને પુત્ર આર્યમન દેઓલ સાથે આવ્યો હતો. તેણે પિતા ધર્મેન્દ્રને ભાવુક શ્રદ્ધાંજલિ આપતાં ધર્મેન્દ્રનું જૂનું શર્ટ પહેર્યું હતું. આ ફિલ્મ જોયા પછી બૉબી ભાવુક થઈને રડ્યો હોવાના રિપોર્ટ્‍સ છે. સની દેઓલ પિતાના પોસ્ટર સામે પોઝ આપતાં ભાવુક થયો હતો, પરંતુ તેણે મજબૂતાઈથી સ્મિત કરીને તસવીરો ક્લિક કરાવી હતી. આ તસવીર સાથે પોઝ આપતાં તેણે કહ્યું કે પપ્પા સાથે ફોટો લો.

ઇમોશનલ સલમાન ખાન

સલમાન ખાને આ સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હેવી સિક્યૉરિટી સાથે એન્ટ્રી કરી. તેણે ધર્મેન્દ્રના પોસ્ટર સામે ઊભા રહીને લાંબો સમય એેને જોયું અને ઇમોશનલ થઇ ગયો. તે ધર્મેન્દ્રની બહુ નજીક હતો અને રિપોર્ટ પ્રમાણે તેણે હાથમાં ધર્મેન્દ્રએ ગિફ્ટ આપેલી વીંટી પહેરી હતી. સલમાને કોઈ વાત કરી નહીં, પરંતુ તેના ચહેરાના હાવભાવથી શ્રદ્ધાંજલિ વ્યક્ત થઈ.

તબુનો પ્રેમ

તબુ ‘ઇક્કીસ’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ફાતિમા સના શેખને જોઈને બહુ ખુશ થઈ ગઈ હતી અને બન્નેએ સાથે ફોટો પડાવ્યો હતો. તબુએ જણાવ્યું કે ફિલ્મ ‘ચાચી 420’માં ફાતિમાએ તેની દીકરીનો રોલ કર્યો હતો અને આ પછી તબુએ ફાતિમા પર પ્રેમ વરસાવ્યો.

ઇક્કીસના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ન દેખાયાં હેમા માલિની કે એશા-આહના

સની દેઓલ અને બૉબી દેઓલ દ્વારા યોજવામાં આવેલા ‘ઇક્કીસ’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની કે પછી સની-બૉબીની સાવકી બહેનો એશા દેઓલ અને આહના દેઓલ જોવા મળ્યાં નહોતાં. આ ઘટનાક્રમ પછી દેઓલ પરિવાર અને હેમા માલિનીના પરિવાર વચ્ચે સંબંધની કડી તૂટી ગઈ છે એ વાતનો અહેસાસ થઈ રહ્યો હતો.

upcoming movie agastya nanda rekha sunny deol bobby deol abhay deol hema malini esha deol entertainment news bollywood bollywood news dharmendra